SURAT

કતારગામ ઝોનમાં સુમન શાળા ખસેડવાના નિર્ણય સામે AAP કોર્પોરેટરોનો ધરણાં

શહેરનાં કતારગામ વિસ્તારમાં વોર્ડ નં. 7માં ટીપી 50માં આવેલા પ્લોટ નં. 94 પર મંજુર થયેલી સુમન શાળા રાતોરાત અન્ય સ્થળે ખસેડવાનાં નિર્ણય સામે ભાજપનાં કોર્પોરેટર નરેન્દ્ર પાંડવનાં વિરોધ બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રકરણમાં ઉગ્ર દેખાવો કરતાં વહીવટી તંત્રની સાથે સાથે શાસકો પણ ભેખડે ભેરવાયા છે.

  • AAP કોર્પોરેટરો ડૉ. કિશોર રૂપારેલિયા, દિપ્તી સાકરિયાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઓફિસ બહાર પ્રતિકાત્મક ધરણાં

ગઈકાલે આમ આદમી પાર્ટીનાં સ્થાનિક કોર્પોરેટર ડો. કિશોર રૂપારેલિયા અને દિપ્તી સાકરિયા દ્વારા આખી રાત સ્ટેન્ડિંગ કમિટીની બહાર ધરણાં પ્રદર્શન બાદ આજે સવારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીનાં નેતા -કાર્યકરો દ્વારા મુગલીસરા ખાતે આ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સવારથી જ મુગલીસરા ખાતે વિરોધ પક્ષનાં નેતા પાયલ સાકરિયા સહિતનાં કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા પ્લે કાર્ડ સાથે જે સ્થળે શાળા મંજુર થઈ છે ત્યાં જ શાળા બનાવવા માટે ઉગ્ર માગણી કરી હતી.

સુર તસહિત રાજ્યની તમામ મહાનગર પાલિકાઓની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી ભાજપના શાસકોને ઘેરવાનો એક પણ અવસર જતો કરવા તૈયાર નથી. હાલમાં જ કતારગામ ખાતે ટીપી 50 માં એફપી 94માં સુમન સ્કુલ બનાવવા માટે સ્થાયી સમિતિ દ્વારા મંજુરી અપાઈ હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા શાળાનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ મામલે પોતાના સોગઠા ગોઠવીને સુમન શાળાનું સ્થળ બદલીને ટીપી 35માં એફપી 123માં કરી દેવામાં આવ્યું હતું.

અલબત્ત, આ અંગે કોઈ સત્તાવાર ઠરાવ કે વર્ક ઓર્ડર ન થવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા શાળાનું બાંધકામ નવા સ્થળે શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે ભાજપનાં કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા મોરચો ખોલવામાં આવ્યો હતો અને આ અંગે ઉચ્ચ સ્તરે રજુઆત પણ કરવામાં આવી હતી. જો કે, હવે વહીવટી તંત્ર અને શાસકો વિરૂદ્ધ આ નિર્ણય અંગે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. ગઈકાલે રાતથી જ આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર ડો. કિશોર રૂપારેલિયા અને દિપ્તી સાકરિયાએ આખી રાત સ્ટેન્ડિંગ કમિટીની બહાર ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

જ્યારે આજે સવારથી જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીનાં નેતા-કોર્પોરેટરો મુગલીસરા ખાતે પહોંચ્યા હતા. કતારગામમાં વોર્ડ નં. 7માં જે સ્થળે શાળા બનાવવાનું નક્કી થયું હતું તે જ સ્થળે સુમન શાળા બનાવવાની માંગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર સહિત વિરોધ પ્રદર્શન કરતાં એક તબક્કે વાતાવરણમાં ગરમાટો આવ્યો હતો.

Most Popular

To Top