SURAT

લટકતા કાતિલ દોરાથી ગળું કપાતા 8 વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત

શહેરમાં ઉતરાયણ પર્વ એક બાજુ તમામ માટે ઉત્સાહ અને આંનદ ઉલ્લાસ લઈને આવ્યો હતો, પરંતુ પતંગની ઘાતક દોરીના લીધે બનેલા જીવલેણ અકસ્માતોને પગલે આ પર્વ કેટલાક પરિવારોમાં માતમમાં ફેરવાઈ ગયો.

ગઈ કાલે શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી. સોસાયટીમાં જ સાયકલ ચલાવતી વખતે પતંગની કાતિલ દોરીનો ઘસરકો પડતા જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થયેલા માસુમ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની અમોલભાઈ બોરસેનો 8 વર્ષનો પુત્ર રેહાન્સ 15મી જાન્યુઆરીના રોજ બપોરના સમયે પોતાની સોસાયટીના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવી રહ્યો હતો. તે સમયે આકાશમાંથી એક કપાયેલી પતંગની દોરી લટકતી નીચે આવી હતી.

રેહાન્સ સાયકલ ચલાવી રહ્યો હતો અને તેને ખ્યાલ ન હતો કે કાતિલ દોરો મોત બનીને લટકી રહ્યો હતો. નિર્દોષ રેહાન્સ સાયકલ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને કાતિલ દોરાનો ઘસરકો તેના ગળાના ભાગે વાગ્યો હતો. આ ઘસરકો એટલો ખતરનાક હતો કે બાળકનું ગળું કપાઈ ગયું હતું અને તે ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. સ્થળ પર સર્જાયેલા દ્રશ્યો જોઈ લોકોના રૂંવાટા ઉભા થઇ ગયા હતા.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોહીલુહાણ રેહાન્સને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. જયારે એકના એક વ્હાલસોયા પુત્રના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. વધુમાં જાણવા મળ્યું હતું કે રેહાન્સ ધોરણ-૩માં અભ્યાસ કરતો હતો. તેના પિતા હજીરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

Most Popular

To Top