માનવીની મૂળભૂત જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક, આ ત્રણ પૈકી ફક્ત હવા જ મફતમાં મેળવીએ છીએ જ્યારે પાણી જે સ્થાનિક સંસ્થા તરફથી પૂરું પાડવામાં આવે છે તેનો વેરો વસૂલવામાં આવે છે. ગાંધીનગર, ઇન્દોર, અમદાવાદ અને બેંગલોર શહેરમાં પ્રશાસન દ્વારા પૂરું પાડવામાં આવી રહેલ પાણી દૂષિત મળે છે એવી ફરિયાદ ઊઠી છે. આ બધાં શહેરોમાં પીવાના પાણીની સાથે ગટર લાઇન નજીક હોવાથી આવું બનવા પામે છે. નજીકના દિવસોમાં હવા મેળવવા માટે પણ નાણાં ચુકવવા પડશે એવું લાગી રહ્યું છે. ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગોની ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે.
ભારતનાં મોટાં શહેરોમાં વૃક્ષનું નિકંદન થવાથી બીજાં અનેક પ્રકારનાં કારણોસર હવામાં પ્રદૂષણ ફેલાય છે. કોરોનાના સમયમાં ઑક્સિજન વેચાતો મળવો મુશ્કેલ હતો. આગામી સમયમાં ઑક્સિજન વેચાતો ન મેળવવો હોય તો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અભિયાન હાથ ધરવું પડશે. દરેક માનવીની ફરજ છે કે દરેક નાગરિકને સ્વચ્છ હવા, પીવાનું પાણી ચોખ્ખું અને સારો ખોરાક મળી રહે તે માટે કટિબદ્ધ થવાની જરૂર છે એવું નથી લાગતું? ‘ ગુજરાતમિત્ર’ દૈનિક અખબારમાં કહેવાની વાત કોલમમાં નેહા શાહ દ્વારા પાણી સામાન્ય સંપત્તિમાંથી ખાનગી સંપત્તિમાં પરિવર્તન અને પ્રશાસનની બેજવાબદારી શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થયેલ લેખમાં વિગતે માહિતી આપવામાં આવી છે.
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે