આજનો યુગ ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે, જ્યાં ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાએ માનવીના જીવન, સંબંધો અને વિચારસરણીને નવી દિશા આપી છે. એક તરફ સોશ્યલ મીડિયાએ સંપર્કોને સરળ અને ઝડપી બનાવ્યા છે તો બીજી તરફ માનવીના વર્તન અને માનસિક સ્થિતિ પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. આજે રૂબરૂ વાતચીત ઘટતી જાય છે અને વર્ચ્યુઅલ સંવાદ વધતો જાય છે. લોકો એકબીજાની પાસે હોવા છતાં સાથે નથી, એવું દૃશ્ય સામાન્ય બન્યું છે.
સોશ્યલ મીડિયાના સતત ઉપયોગથી Fear of Missing Out (FOMO) જેવી માનસિક સ્થિતિ સર્જાય છે, જેમાં વ્યક્તિને લાગે છે કે બીજાં લોકો વધારે આનંદ, સફળતા અને સુવિધાઓ ભોગવી રહ્યાં છે. સોશ્યલ મીડિયામાં પોતાનું જીવન શ્રેષ્ઠ દેખાડવાની સ્પર્ધા વધી છે, જેના કારણે લોકો સતત પોતાની જાતને અન્ય સાથે સરખાવે છે. પરિણામે આત્મવિશ્વાસમાં ઘટાડો, ચિંતા, અકળામણ અને હતાશા વધે છે.
સર્વે મુજબ મોટી સંખ્યામાં યુવાનો સોશ્યલ મીડિયામાં તુલનાના કારણે અસંતોષ અને તણાવ અનુભવે છે. ખાસ કરીને મહિલાઓમાં તેનો પ્રભાવ વધુ જોવા મળે છે. આ ડિજિટલ સ્ટ્રેસથી મુક્ત થવા માટે ડિજિટલ ડીટોક્સ અને સમય-નિયંત્રણ જરૂરી છે. વાસ્તવિક જીવન, પરિવાર, મિત્રો અને પ્રકૃતિ સાથે જોડાણ વધારવાથી જ માનસિક સ્વસ્થતા જાળવી શકાય છે અને યુવાનોને બચાવી શકાય છે.
મોટા વરાછા, સુરત- યોગેન્દ્ર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે