રિટાયર હેડ માસ્ટરનો ત્રણ દીકરા, ત્રણ વહુઓ અને પૌત્ર અને પૌત્રી સાથેનો બહોળો પરિવાર હતો. માસ્ટરજી ઘરના વડીલ હતા તેમણે એક અનોખો નિયમ બનાવ્યો હતો કે એક મોટી ગુલ્લક ઘરમાં રાખી હતી અને બધાએ રોજ કંઈક ને કંઈક બચત કરી તેમાં પૈસા નાખવા.અને દર ત્રણ મહિને જ્યારે તે ગુલ્લક ભરાય જાય ત્યારે તે તોડવામાં આવતી અને પછી માસ્ટરજી દરેક સભ્યને તેમની કોઈ એક ખાસ જરૂરિયાત કે ઈચ્છા પૂછતા અને પછી તેમને જે જે સભ્યની જરૂરિયાત સૌથી મહત્વની લાગતી તેને પૈસા હોય તે પ્રમાણે પૂરી કરવાનું તેઓ નક્કી કરતા અને તે સભ્યને પૈસા આપતા અને પછી ફરી નવી ગુલ્લક ગોઠવાઈ જતી અને તે રોજે રોજ બધા દ્વારા ભરવામાં આવતી.
આજે આ ગુલ્લક તોડવાનો દિવસ હતો, પરિવારના બધા સભ્યોની સામે ગુલ્લક તોડવામાં આવી અને બધા પૈસા ગણીને માસ્ટરજીએ ભેગા કર્યા અને ઘરના બધા સભ્યોએ પોતાની ઈચ્છા અને જરૂરીયાતને વધારી ચઢાવીને કહી, માસ્ટરજીએ બધાની વાત સાંભળીને લખી લીધી અને પૈસા ગણવા લાગ્યા. બધા આ વખતે પોતાને પૈસા મળે તેની મનોમન પ્રાર્થના કરવામાં વ્યસ્ત હતા અને આ બાજુ માસ્ટરજીની નજર ઘરમાં કામ કરતા મેના માસી પર પડી તેઓ બારણાની આડાશ લઈને ઉભા હતા, તેમની નજર પૈસાની ઢગલી પરથી ખસતી જ ન હતી.
માસ્ટરજીએ તેમને બૂમ પડી બહાર બોલાવ્યા અને પૂછ્યું, ‘મેના બહેન, આમ બારણા પાછળ ઊભીને શું જુઓ છો અહીં આવો અને તમારી કોઈ ઈચ્છા હોય તો જણાવો.’ મેના બહેન ઓછપાઈ ગયા અને ઘરના બધા સભ્યો વિચારવા લાગ્યા કે આ ગુલ્લ્કમાં તો અમે બધાએ પૈસા નાખ્યા છે તો પછી એમાં મેના બહેનની ઈચ્છા પૂછવાની વાત ક્યાંથી આવી? કોઈ કઈ બોલ્યું નહિ પણ બધાના મોઢા તો બગડી જ ગયા. માસ્ટરજીએ ફરી ભાર દઈને પૂછ્યું, ‘મેના બોલ શું ઈચ્છા છે?’ મેના બહેન ધીમા અવાજે બોલ્યા, ‘સાહેબ આમ તો કોઈ ઈચ્છા નથી.પણ મારી નાનકી ભણવામાં બહુ હોશિયાર છે અને પેલો ફોન આવે છે ને તેમાં બધા જવાબ શોધીને ભણી શકાય, ક્યાંય ગયા વિના ઘર બેઠા ભણી શકાય તે ફોન નાનકીને જોઈએ છે પણ મારી પાસે તે લેવાના પૈસા નથી.’
માસ્ટરજીએ તરત પોતાના નાના દીકરાના હાથમાં પૈસા આપી કહ્યું, ‘દીકરા કાલે જ આ પૈસા નો સારો સ્માર્ટ ફોન મેના બહેનની નાનકી માટે લઇ આવજે.’ હજી થોડા પૈસા વધ્યા હતા તે ગણીને માસ્ટરજી બોલ્યા, ‘આ થોડા પૈસામાંથી પણ આપને કોઈ ઘરના સભ્ય માટે કઈ લેવું નથી આ પૈસામાંથી કાલે સવારે ભૂખ્યાને ભોજન કરાવશું. ચાલો આ વખતે આપની બચતનો ઉપયોગ પોતાને માટે નહિ પણ અન્યની ખુશી માટે કરીએ.’ માસ્ટરજીની વાત બધા માની ગયા, નાનકી માટે સ્માર્ટફોન આવી ગયો અને ભૂખ્યાઓને ભોજન પણ પીરસાઈ ગયું. કોઈને કઈ મળ્યું ન હતું છતાં બધા બહુ ખુશ હતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે