Comments

રાજ્યની તમામ શાળા-કોલેજોમાં તરુણોને“પોક્સો” કાયદા વિષે ખાસ માહિતગાર કરવાની જરૂર છે

અંતે સુપ્રીમ કોર્ટે પણ સરકારનું ધ્યાન દોરવું પડ્યું કે સગીર બાળકોના શારીરિક શોષણના ગુનાઓમાં જ્યારે બન્ને પાત્રો સમવયસ્ક હોય અને ગુનો તરુણાવસ્થાના આવેગોમાં બન્યો હોય તો તેનો અલગ વિચાર કરવો પડે. ભારતમાં નાની ઉંમરની છોકરીઓના શારીરિક શોષણના કિસ્સાઓ ખૂબ વધવા લાગ્યા અને જઘન્ય અપરાધ સામે દેશભરમાં આક્રોશ પણ ફેલાયો, એટલે સરકારે નાની બાળકીઓના શારીરિક શોષણનો ગુનો થાય ત્યારે ખાસ કાયદા દ્વારા ગુનેગારોને સજા આપવાનું નક્કી કર્યું.

“પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ ૨૦૧૨”. અઢાર વર્ષથી નાની વયનાં બાળકોને જાતીય શોષણના કિસ્સામાં ખાસ રક્ષણ પૂરું પાડે છે અને ગુનેગારો સાથે કડકાઈથી વર્તે છે. વળી આમાં છોકરી જો નાની ઉંમરની છે તો તેને ભોળવી પટાવીને આચરવામાં આવેલો ગુનો પણ દુષ્કૃત્ય જ ગણવામાં આવે છે. ભલે તે સંમતિથી આચરવામાં આવ્યું હોય. ભારતમાં સ્ત્રીઓ તરફ આચરાતા ગુનાઓ અને તેમના આર્થિક શારીરિક શોષણનો લાંબો ઈતિહાસ છે. સ્ત્રી કોઇ પણ જ્ઞાતિની હોય ,ધર્મની હોય કે કોઈ પણ ઉંમરની હોય, તેને શોષણ કે અત્યાચારનો ભોગ ગણવાનું થાય છે અને સ્ત્રીને કોઈ પણ ઉંમરે અત્યાચારનો ભોગ બનવું પડે છે. અત્યાચારના કિસ્સાઓનું વર્ગીકરણ કરતાં સમજાયું છે કે સ્ત્રીઓ પર શારીરિક દુષ્કૃત્યમાં મોટે ભાગે ઓળખીતા અને સગાંવ્હાલાંઓનું પ્રમાણ વધારે હોય છે.

છેલ્લાં વર્ષોમાં ઘર કુટુંબનાં સભ્યો દ્વારા નાની બાળકીઓને અડપલાંના કિસ્સાઓ આઘાતજનક રીતે વધી ગયા છે. આ અશ્લીલ ફિલ્મો કે મોબાઈલમાં સહજ બનેલા વિડીઓની આડ અસર ગણો કે અન્ય કારણો પણ જાતીય આવેગોનું પ્રમાણ વધતું જાય છે અને સમાજ હજુ કુંઠિત જ છે એટલે તેની આડ અસરના ભાગ રૂપે નજીકના સમ્બન્ધમાં આવતી દીકરીઓ વિકૃત લોકોના અત્યાચારનો ભોગ બને છે. આવા ગુનાઓમાં આરોપીને જામીન પણ મળતા નથી અને સજા ભોગવવી જ પડે છે. આવા કિસ્સાઓમાં ભોગ બનનારનું નિવેદન જ અગત્યનું બને છે.

આરોપ ખોટા છે તે પુરવાર કરવાની જવાબદારી આરોપીની બને છે અને માટે પોસ્કોમાં ભોગ બનનારની ઉંમર ખૂબ મોટો ભાગ ભજવે છે.કાયદો હોય એટલે તેના સારા અને નરસા અનુભવ થાય જ. છટકબારીઓ અને અર્થઘટનના વિવાદ થાય જ. પોસ્કો- એક ઉપયોગી કાયદો હોવા છતાં તેમાં એક મુદ્દો સૌથી ચર્ચાસ્પદ બન્યો છે તે છે તરુણ બાળકો વચ્ચે શારીરિક સમ્બન્ધ! આ કાયદા મુજબ જો અઢાર વર્ષથી નાની ઉંમરનાં છોકરો અને છોકરી શારીરિક સમ્બન્ધ બાંધે તો તે ગુનો છે અને આ ગુનામાં છોકરો અઢાર વર્ષનો થાય પછી તેને સજા ભોગવવી પડે છે એટલે અણસમજમાં ને ઉંમરના આવેગમાં થયેલી ભૂલ પણ મોટો ગુનો બને છે.

ભારતમાં વ્યાપક જાતિવાદ અને સામાજિક રુચિના કારણે સંમતિથી બાંધેલા સંબન્ધને પણ ઘરનાં વડીલો બળાત્કારની ફરિયાદમાં ફેરવી દે છે અને નાની ઉંમરનો છોકરો પણ મોટો ગુનેગાર બને છે. સરકાર જો બાળકીઓ પરના અત્યાચારો ખરેખર ઘટાડવા માંગતી હોય તો તેણે પોસ્કોની માહિતી દરેક શાળા કોલેજમાં ફેલાવવી જોઈએ. આ જાગૃતિ તરુણોમાં આપવી જરૂરી છે. આજે તરુણોમાં પુખ્તતા વહેલી આવે છે. માધ્યમોમાં ઉત્તેજક કન્ટેન્ટ વધતું જાય છે. આ સન્દર્ભમાં છોકરા છોકરીઓ મર્યાદા વટાવી જાય છે અને પુખ્ત થયા પહેલાં જ સંબંધ બાંધી બેસે છે.

આપણે ધોરણ નવથી બારનાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આ વાત પહોંચાડવી પડશે કે બન્ને જણાએ સંમતિથી સંબંધ બાંધ્યો હોય તો પણ નાની ઉંમરની છોકરી સાથે સંબંધ બનાવનાર છોકરો ગુનેગાર ગણાશે, ભલે તે પણ અઢાર વર્ષનો ના હોય! અને એ માટે તેને વીસ વર્ષ જેલમાં રહેવાનો વારો આવી શકે છે. “પોસ્કો”માં મૂળ વિચાર મોટી ઉંમરના અને સ્થાપિત હિત બનેલા પુરુષો દ્વારા નાની ઉંમરની છોકરીઓના શારીરિક શોષણના કિસ્સામાં ગુનેગારને કડક સજા આપવાનો હતો.

સાથે સાથે સમાજના આગેવાન જૂથનાં લોકોનાં નાનાં યુવાનો પણ પોતાની વગ અને દાદાગીરીથી નાની બાળાઓને હેરાન કરે છે તેને પણ સજા મળવી જરૂરી છે તે વિચારે આ કાયદાને ઘડવામાં આવ્યો છે એટલે કાયદાની કલમોમાં ફેરફાર કરવા કરતાં તરુણોમાં સમજણ ફેલાવવાની જરૂર છે. દુનિયાના અત્યંત પ્રગતિશીલ દેશો પણ અઢાર વર્ષથી નાની ઉંમરનાં છોકરા છોકરીમાં શરીર-સમ્બન્ધને માન્ય કરતાં નથી માટે શાળાઓમાં જઈ જઈને સમજાવવું જરૂરી બન્યું છે કે છોકરા છોકરીઓ આવેગોને કાબૂમાં રાખતાં શીખે અને પુખ્ત ઉંમર પહેલાં મર્યાદા ના ઓળંગે, નહીં તો છોકરાઓની જિંદગી શરૂ થતાં પહેલાં જ કેદખાનું નક્કી થઇ જશે.

આજે ગુજરાતનાં અનેક ગામડાંઓમાં સામાજિક, આર્થિક પછાત વર્ગનાં નાની ઉંમરનાં છોકરા છોકરીઓમાં ફિલ્મી પ્રેમ અને તેમાંથી સર્જાતા પ્રશ્નોના કારણે પોસ્કોના એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં ગુનાનું કારણ માત્ર અણસમજ છે.  મૂળ કાયદો પણ આ લોકોને લાગુ પડશે તે કોઈએ વિચાર્યું ના હતું અને પરિણામે આજે અનેક એવા કિશોર છે જેઓ અઢાર વર્ષ પૂરાં થશે એટલે સીધા જેલમાં જશે! માટે જાગો અને નિર્દોષ તરુણો આ ગંભીર ગુનાના ગુનેગાર ના બને તેની સમજણ ફેલાવો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top