ઉત્તરાયણ – મકરસંક્રાંતિ એટલે ખાસ કરીને સુરતીઓ માટે આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવવાનો, કાપવાનો, બૂમો પાડવાનો, ઊંધિયું જલેબીની મજા માણવાનો અનેરો આનંદદાયી ઉત્સવ. હા, કેટલીક દુઃખદ આકસ્મિક ઘટનાઓ બને જેમ કે અગાસી-છાપરા પરથી પડી જવાની, પક્ષીઓના ઘાયલ-મૃત્યુ થવાની, પતંગની દોરીથી કપાઈ જવાની વગરે. આમ છતાં બાળકો, યુવાનો અને વૃદ્ધો કે ગરીબ-તવંગર સૌ કોઈ ઉત્તરાયણની મજા માણવા તત્પર હોય છે. પતંગને આકાશમાં ચગતો રાખવા માટે પતંગ અને દોરી તો જરૂરી છે જ પણ સાથેસાથે યોગ્ય કન્ના બાંધવાની કળા, પવનની દિશા- ઝડપ જાણી તેની સાથે તાલમેળ રાખી, ક્યારે ઢીલ મૂકવી, ક્યારે દોરી ખેંચાવી, ક્યારે ગુલાંટ મરાવવી, કયારે ઠૂમકા કેટલા મારવા, કોની સાથે પેચ લડાવવી, કોના પતંગ કાપવા એ કૌશલ સિદ્ધહસ્ત કરવાં પડે.
આમ છતાં પણ પતંગ કપાઈ જાય તો તેનો સહર્ષ સ્વીકાર કરી, બીજો પતંગ ચગાવવાનો ઉમંગ, ઉત્સાહ અને આનંદ લૂંટવાનો મોકો તો આપણા જ હાથમાં, હૈયામાં હોય જ છે. આપણા જીવનમાં સુખ, શાંતિ, સફળતા મેળવવામાં આ બધાં કૌશલનો ઉપયોગ નથી કરવો પડતો ! સાથે જ યાદ રાખવા જેવી બાબત. પતંગ કદી, કોઈનો રહ્યો નથી સ્થિર આભમાં, સમજી જવાય તો છે વાત લાભમાં. પવન, દોરી ને ચગાવનારની આવડત ટકાવે છે એને આભમાં, બાકી ઊંચે ઊડવાનું ગુમાન નથી રહેતું સાથમાં.
સુરત – મિતેશ પારેખ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.