યુએસ કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, ભારત સાથે ટ્રેડ ડીલ એટલા માટે થઈ નથી કારણ કે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન કર્યો નથી જેઓ તેમના ફોનની રાહ જોઈ રહ્યા હતા.
લુટનિકે કહ્યું કે, એવી અપેક્ષા હતી કે ભારત સાથેની ડીલ ઇન્ડોનેશિયા અથવા ફિલિપાઇન્સ સાથેની ડીલ પહેલાં પૂર્ણ થઈ જશે, જે જુલાઈ 2025માં ફાઇનલ થઈ હતી, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ ગયો કારણ કે મોદી અને ટ્રમ્પ વચ્ચે કોલ કરવાને લઈને ભારત ‘અનકમ્ફર્ટેબલ’ હતું.
યુએસ કોમર્સ સેક્રેટરીએે કહ્યું કે, ભારતને વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવા માટે સ્પષ્ટ અને સમય-સીમાવાળી ‘ત્રણ શુક્રવાર’ આપવામાં આવી હતી, પરંતુ ભારત સરકાર આનાથી સહમત ન હતી અને મોદીએ આખરે ફોન કર્યો નહીં.
પ્રશ્ન એ છે કે: ટ્રમ્પ એવું કેમ ઇચ્છતા હતા કે, ડીલ ફાઇનલ થાય તે પહેલાં મોદી ફોન કરે અને મોદીએ તેમને ફોન કેમ ન કર્યો?
ટ્રમ્પ હવે ભારત પર દબાણ લાવવા માટે અન્ય સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં રશિયન ધ્વજવાળાં તેલ ટેન્કરો જપ્ત કરીને અને રશિયાનું તેલ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર 500 ટકા સુધી ટેરિફ લાદવાના બિલ પર હસ્તાક્ષર કરીને. શું તે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને અમેરિકા સાથેની ડીલ માટે સંમત થવા માટે દબાણ કરવાની વ્યૂહરચનાનો ભાગ છે?
લુટનિકના મતે, અમેરિકા ભારત સાથેના ડ્રાફ્ટ ટ્રેડ ડીલ હેઠળ ઓછી ટેરિફ લાદવા તૈયાર હતું, પરંતુ અંતિમ શરત એ હતી કે વડા પ્રધાન મોદી ટ્રમ્પને ફોન કરે. યુકે સમક્ષ પણ આ જ ફોન કોલની શરત મૂકવામાં આવી હતી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે તરત જ ટ્રમ્પને ફોન કર્યો અને તેમની ડીલ ફાઇનલ થઈ ગઈ. બે દિવસ પહેલાં રિપબ્લિકન પાર્ટીના સાંસદોને સંબોધતી વખતે ટ્રમ્પનો દુભાયેલો અહંકાર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ જાણે છે કે આજકાલ મોદી તેમનાથી ખુશ નથી. ટ્રમ્પે કારણ જાહેર કર્યું ન હતું, પરંતુ તેમના કોમર્સ સેક્રેટરીએ જ આ રહસ્ય ઉજાગર કરી દીધું.
ભારતના વિદેશ મંત્રાલયે લુટનિકના ખુલાસા પર રાજદ્વારી પ્રતિભાવ આપ્યો છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘’ રિપોર્ટમાં જે ચર્ચાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તે સાચું નથી.’’ જયસ્વાલે કહ્યું, ‘’અમે બે પૂરક અર્થતંત્રો વચ્ચે પરસ્પર ફાયદાકારક ટ્રેડ ડીલમાં રસ ધરાવીએ છીએ અને તેને પૂર્ણ કરવા માટે આતુર છીએ. આમ પણ વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2025 દરમિયાન આઠ વખત ફોન પર વાત પણ કરી છે, જેમાં અમારી વ્યાપક ભાગીદારીનાં વિવિધ પાસાંઓને આવરી લેવામાં આવ્યાં છે.’’
રશિયન તેલ ખરીદતા દેશો પર 500 ટકા સુધીની ટેરિફ લાદવાના યુએસ બિલ અંગે પ્રવક્તાએ કહ્યું કે, કયો કાયદો બનાવવો અને કેટલી ઊંચી ટેરિફ લાદવી તે અમેરિકાએ નક્કી કરવાનું છે, પરંતુ ભારત તેની ઊર્જા જરૂરિયાતો અને વિશ્વ બજારના આધારે નિર્ણયો લે છે. અન્ય દેશો શું કરી રહ્યા છે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. યુએસ કોમર્સ સેક્રેટરીની ટિપ્પણીથી એ સ્પષ્ટ થાય છે કે મોદી ટ્રમ્પના દબાણમાં ઝૂક્યા નથી. ભારત યુએસ દબાણ સમક્ષ ઝૂક્યું નથી.
મોદી માટે ભારતનું આત્મસન્માન સર્વોચ્ચ છે અને ટ્રેડ ડીલ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. ભારત આજે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે. તેથી, કોઈ એવી દલીલ કરી શકે છે કે મોદીને કોઈ ઝૂકાવી શકે નહીં, કે ન તો ભારતને પ્રગતિ તરફ આગળ વધતાં કોઈ રોકી શકે.
આપણે યાદ રાખવું પડશે કે, ટ્રમ્પે ગયા વર્ષે ઓગસ્ટમાં વાટાઘાટો અટકી ગયા પછી ભારતીય માલ પર ૫૦% ટેરિફ લાદી હતી, જેમાં રશિયન તેલ ખરીદવા બદલ દંડનો પણ સમાવેશ થાય છે. બંને પક્ષો હવે ડીલ કરવા માટે વાટાઘાટો કરવા પાછા ફર્યા છે, પરંતુ તે ક્યારે સાકાર થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી અને ઘણી અનૌપચારિક ડેડલાઇન છૂટી ગઈ છે. કૃષિ સહિત મુખ્ય મુદ્દાઓ બાકી છે. ટ્રમ્પ ભારતના કૃષિ ક્ષેત્રમાં વધુ પ્રવેશ માટે દબાણ કરી રહ્યા છે, પરંતુ મોદીએ તેનું જોરદાર રક્ષણ કર્યું છે. ડિસેમ્બરમાં, યુનાઇટેડ સ્ટેટ્સના ટ્રેડ પ્રતિનિધિ જેમીસન ગ્રીરે વોશિંગ્ટનમાં સેનેટરોને જણાવ્યું હતું કે, અમેરિકાને ભારત તરફથી ‘અત્યાર સુધીની શ્રેષ્ઠ ઓફર’ મળી છે.
તેને તેમણે ભારત માટે મુશ્કેલ પણ ગણાવ્યું. ટ્રમ્પે તાજેતરના દિવસોમાં ભારત અને મોદી વિશે ઘણી ટિપ્પણીઓ પણ કરી છે, જેમાં દિલ્હી જો રશિયન તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો ટેરિફમાં વધારો કરવાની ચેતવણીનો પણ સમાવેશ થાય છે. યુક્રેન યુદ્ધ પછી ભારતે રશિયા પાસેથી સસ્તા તેલની ખરીદીમાં વધારો કર્યો છે. ટ્રમ્પ નિઃશંકપણે ગુસ્સે છે કે ભારતે મે મહિનામાં ચાર દિવસના સંઘર્ષ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવાના તેમના દાવાઓને વારંવાર નકારી કાઢ્યા છે. જૂનમાં, ભારતે કહ્યું હતું કે મોદીએ ટ્રમ્પને કહ્યું હતું કે દિલ્હી કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન સાથે ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારશે નહીં.
જો કે, ટ્રમ્પના દાવાનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઇજ્જત બચાવવા માટે અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મોદી પર હુમલો કરવા માટે કર્યો છે. જો કે, એપ્રિલમાં પહેલગામ હુમલા પછી અથવા મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન ટ્રમ્પ અને મોદી વચ્ચે કોઈ ફોન કોલ થયો ન હતો. ટ્રમ્પે મોદી સાથે ફોન પર વાત કરવાના ઓછામાં ઓછા ચાર પ્રયાસો કર્યા હોવા છતાં જર્મન અખબાર ફ્રેન્કફર્ટર ઓલ્ગેમાઈન (FAZ)ના ઓગસ્ટ 2025ના અહેવાલ મુજબ, આપણા વડા પ્રધાન તેમની સાથે વાત કરતા ન હતા. ત્યારથી, બંને નેતાઓએ કેટલીક વખત ફોન પર વાત કરી છે, જેમાં સપ્ટેમ્બરમાં ટ્રમ્પે મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા માટે ફોન કર્યો હતો.
જો કે, ટ્રેડ ડીલ પર મોદી તરફથી તે અપેક્ષિત ફોન ન મળવાથી ટ્રમ્પને કેટલાક બડાઈ મારવાનો મોકો નહીં મળ્યો હશે અને તેમના વધેલા અહંકારને ઠેસ પહોંચી હશે. હવે, ટ્રમ્પ ભારત પર 500% દંડાત્મક ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યા છે અને શેરબજાર આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી ડગમગી રહ્યું છે. યુએસ રાષ્ટ્રપતિના ટ્રેક રેકોર્ડને જોતાં મોદી ટ્રમ્પને ફોન ન કરે તે આશ્ચર્યજનક લાગશે નહીં. ટ્રમ્પને ફોન ન કરવો એ એક સમજદારીભર્યો નિર્ણય છે. ટ્રમ્પ વારંવાર ઉતાવળ કરી ચૂક્યા છે, એકતરફી વાતચીત વિશે બોલ્યા છે. વિશ્વ-નેતાઓએ તેમનાં રાષ્ટ્રોની પ્રાથમિકતાઓને પૂર્ણ કરતી વખતે તેમની વૈશ્વિક અને ઘરેલું છબી જાળવી રાખવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.