ભારતમાં મતદાન (ELECTION IN INDIA) પ્રકિયા પર નજર રાખતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR)ના અહેવાલ મુજબ, બંગાળમાં પહેલા તબક્કાની ચૂંટણી જે 27 માર્ચના રોજ યોજનાર છે તેમાં 25 ટકા ઉમેદવારોએ પોતાની સામે ગુનો દાખલ થયો હોવાની વાત સ્વીકારી છે. કુલ 191 ઉમેદવારો પૈકી 48 ઉમેદવારોએ સ્વીકાર્યુ છે તેમની સામે ગુનાહિત કેસો નોંધાયા છે.
ઉમેદવારોએ આપેલા સોગંદનામાઓ પ્રમાણે 96 ઉમેદવારો એટલે કે 50 ટકા ઉમેદવારોએ પોતાનું શિક્ષણ ધોરણ 5-12 વચ્ચે થયું હોવાનું જણાવ્યું છે, જ્યારે 92 ઉમેદવારો(48 ટકા)એ જણાવ્યું છે કે તેમણે સ્નાતક કે તેનાથી વધુ શિક્ષણ મેળવ્યું છે. એડીઆર દ્વારા 191 ઉમેદવારોના ફોર્મની તપાસ કરવામાં આવી હતી જેઓ પહેલા તબક્કા(FIRST STAGE)ની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેમના રિપોર્ટ અનુસાર, 48 ઉમેદવારો(25 ટકા)એ પોતાના પર ગુનાહિત કેસ દાખલ હોવાનું જણાવ્યું છે. 42 ઉમેદવારો એટલે કે 22 ટકાએ પોતાના પર ગંભીર ગુનાઓ હેઠળ કેસ દાખલ હોવાનું જણાવ્યું છે.
કુલ 191 ઉમેદવારો પૈકી 19 ઉમેદવારો કરોડપતિ હોવાનું જાણવા મળ્યું છે. પાર્ટી દીઠ વાત કરવામાં આવે તો સીપીઆઇ(એમ)(CPIM)ના 18માંથી 10(56 ટકા), ભાજપના 29માંથી 12(41 ટકા), તૃણમુલ કોંગ્રેસના 29માંથી 10(35 ટકા), કોંગ્રેસના 6માંથી 2 (33 ટકા) ઉમેદવારો પર ગુનાહિત કેસો દાખલ કરવામાં આવ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 12 ઉમેદવારોએ મહિલાઓ વિરુદ્ધના ગુના સાથે સંબંધિત કેસો જાહેર કર્યા છે. 12 ઉમેદવારોમાંથી 1 ઉમેદવારે બળાત્કાર સંબંધિત કેસ જાહેર કર્યા છે, આઠ ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ હત્યા સંબંધિત કેસ જાહેર કર્યા છે અને 19 ઉમેદવારોએ હત્યાના પ્રયાસ સાથે સંબંધિત કેસ જાહેર કર્યા છે.