Nadiad

નડિયાદના ફતેપુરા રીંગ રોડ પર નશામાં ધૂત બાઈક ચાલકે માસૂમ બાળકીને અડફેટે લેતા કરુણ મોત


દારૂના નશામાં બેફામ ગતિએ બાઈક હંકારી રહેલા ચાલકે કેનાલની રેલિંગ તોડી સાઈડમાં રમતી 7 વર્ષની બાળકીને કચડી નાખી

સ્થાનિકોમાં ભારે રોષ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.11
નડિયાદના ફતેપુરા રીંગ રોડ પર આવેલા ભાટના કુવા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં નશાની હાલતમાં મોટરસાયકલ ચલાવી રહેલા એક શખ્સે માર્ગની સાઈડમાં રમી રહેલી 7 વર્ષની માસૂમ બાળકીને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

આ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ એકઠા થઈ પોલીસને જાણ કરતા નડિયાદ ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે નડિયાદના ફતેપુરા રીંગ રોડ પાસે આવેલ ભાટના કુવા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ પરમારની 7 વર્ષની દીકરી આરોહી જે જુનિયર કેજીમાં અભ્યાસ કરતી હતી. આરોહી ઘર પાસે સિંગલ પટ્ટી રોડની સાઈડમાં રમી રહી હતી ત્યારે અચાનક પૂરપાટ ઝડપે એક મોટરસાયકલ નંબર GJ-34 K 9181 ત્યાંથી પસાર થઈ હતી. બાઈક ચાલક નશાની હાલતમાં હોવાથી તેને વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને મોટરસાયકલ કેનાલની રેલિંગ તોડીને સીધી માસૂમ આરોહી સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી રોડ પર પટકાઈ હતી અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં આરોહીને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને સ્થાનિક રહીશોમાં નશાખોર વાહન ચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ લોકોએ 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતા જ નડિયાદ ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર નશામાં ધૂત યુવકને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચાલક નશાની હાલતમાં હોવાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાલમાં પોલીસે મૃતક બાળકીના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે. માસૂમ બાળકીના મોતના પગલે સમગ્ર નડિયાદ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Most Popular

To Top