Sports

મેદાનમાં ઉતરતાં જ વિરાટ કોહલીએ રચ્યો આ નવો ઈતિહાસ, સૌરવ ગાંગુલીને પાછળ છોડ્યા

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ વડોદરા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં શ્રેયસ ઐયર અને મોહમ્મદ સિરાજની વાપસી થઈ હતી.

આ વચ્ચે ક્રિકેટ ચાહકોની નજર એકવાર ફરી વિરાટ કોહલી પર કેન્દ્રિત રહી. મેદાનમાં ફિલ્ડિંગ માટે ઉતરતાની સાથે જ વિરાટ કોહલીએ એક મોટી વ્યક્તિગત સિદ્ધિ પોતાના નામે કરી લીધી. ન્યૂઝીલેન્ડ સામેની આ પહેલી વનડે વિરાટ કોહલીની કારકિર્દીની 309મી ODI મેચ છે. જેના દ્વારા તેણે ભારત માટે સૌથી વધુ વનડે મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં પાંચમું સ્થાન મેળવી લીધું છે.

આ સિદ્ધિ સાથે વિરાટ કોહલીએ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધા છે. ગાંગુલીના નામે 308 વનડે મેચ હતી. જ્યારે કોહલીએ હવે 309 મેચ રમી લીધી છે. આ યાદીમાં વિરાટથી આગળ માત્ર સચિન તેંડુલકર, એમએસ ધોની, રાહુલ દ્રવિડ અને મોહમ્મદ અઝહરુદ્દીન છે.

ભારત માટે સૌથી વધુ ODI મેચ રમનાર ખેલાડીઓમાં સચિન તેંડુલકર (463), એમએસ ધોની (347), રાહુલ દ્રવિડ (340) અને મોહમ્મદ અઝહરુદ્દીન (334)નો સમાવેશ થાય છે. જ્યારે વિરાટ કોહલી હવે આ યાદીમાં પાંચમા ક્રમે છે.

બેટિંગની વાત કરીએ તો વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે વનડે ફોર્મેટમાં શાનદાર રેકોર્ડ ધરાવે છે. અત્યાર સુધી તેણે કિવી ટીમ સામે છ સદી ફટકારી છે. જે રિકી પોન્ટિંગ અને વીરેન્દ્ર સેહવાગ જેટલી જ છે. જો કોહલી આ શ્રેણીમાં વધુ એક સદી ફટકારે છે. તો તે ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ વનડે સદી ફટકારનાર ખેલાડી બની જશે.

આ રીતે એક તરફ વિરાટ કોહલી મેદાનમાં રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. તો બીજી તરફ તેની બેટિંગ પરથી ચાહકોને વધુ એક યાદગાર ઇનિંગની અપેક્ષા છે.

Most Popular

To Top