વડોદરામાં ક્રિકેટ ટિકિટોની કાળાબજારી પર ક્રાઈમ બ્રાન્ચનો સપાટો
ભારત–ન્યૂઝીલેન્ડ વનડે મેચની ટિકિટ પાંચ ગણા ભાવે વેચતા બે શખ્સ ઝડપાયા
વડોદરા | તા. 11
વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે આજે 11 જાન્યુઆરીના રોજ રમાનારી ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચેની આંતરરાષ્ટ્રીય વનડે મેચને લઈ ટિકિટોની કાળાબજારી સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. મેચની મૂળ કિંમત કરતાં પાંચ ગણા ભાવે ટિકિટો વેચતા બે કાળા બજારીઓને ભાંડવાડા નાકા પાસેથી ટિકિટો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુલ 17 ટિકિટ, જેની કિંમત રૂ.31,000 થાય છે, તે કબ્જે કરવામાં આવી છે.
ભાંડવાડા નાકા પાસેથી ઝડપી પાડ્યા બે આરોપી
પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલ અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમારની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા ટિકિટોની કાળાબજારી રોકવા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન બાતમી મળી હતી કે ભાંડવાડા નાકા સેલ પેટ્રોલપંપ પાસે બે શખ્સો જાહેરમાં ઊભા રહી કોટંબી સ્ટેડિયમની વનડે મેચની ટિકિટો ઉંચા ભાવે વેચી રહ્યા છે. જેના આધારે ટીમે તાત્કાલિક રેડ કરી કેતનકુમાર શાંતીલાલ પટેલ (રહે. નાની કાછીયાવાડ, છાણી) અને હિતેશકુમાર મુળશંકર જોષી (રહે. શ્રીધર સોસાયટી, નિઝામપુરા)ને ઝડપી પાડ્યા હતા.

લેવલ 1, 2 અને 3ની ટિકિટો કબ્જે
તલાશ દરમિયાન કેતનકુમાર પટેલ પાસેથી લેવલ-1ની રૂ.2000ની 8 ટિકિટ અને લેવલ-2ની રૂ.2000ની 4 ટિકિટ મળી કુલ 12 ટિકિટ રૂ.24,000ની મળી આવી. જ્યારે હિતેશકુમાર જોષી પાસેથી લેવલ-2ની રૂ.2000ની 2 અને લેવલ-3ની રૂ.1000ની 3 ટિકિટ મળી કુલ 5 ટિકિટ રૂ.7,000ની મળી આવી. બંને પાસે ટિકિટ વેચાણ માટે કોઈ પરમિટ ન હોવાથી પોલીસે કુલ 17 ટિકિટ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટિકિટ ક્યાંથી મેળવાઈ તેની તપાસ કરવામાં આવી રહી છે.