ઈરાનમાં ચાલી રહેલા આર્થિક સંકટને પગલે દેશભરમાં ઉગ્ર આંદોલન શરૂ થયું છે. જે હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ડિસેમ્બર 2025થી શરૂ થયેલા દેખાવોના કારણે ઈરાન રાજકીય અને આર્થિક અસ્થિરતાની સ્થિતિમાં પહોંચી ગયું છે. આ સ્થિતિ ભારત માટે માત્ર પડોશી દેશની ચિંતા નથી પરંતુ વેપાર અને વ્યૂહાત્મક હિતોને લઈને પણ મહત્વપૂર્ણ બની છે.
ઈરાનમાં વધતા ફુગાવો, બેરોજગારી અને ચલણના ઘટતા મૂલ્ય સામે જનતા રસ્તા પર ઉતરી આવી છે. અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 78થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઈરાન સરકારે 7 જાન્યુઆરીથી દેશભરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ બંધ કરી દીધી છે.
ઈરાનમાં સર્જાયેલી અશાંતિ ભારત માટે જોખમી સાબિત થઈ શકે છે. ભારતે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને રશિયા સુધી પહોંચવા માટે ઈરાનમાં આવેલા ચાબહાર બંદરમાં મોટું રોકાણ કર્યું છે. જો અશાંતિ લાંબી ચાલે તો ચાબહાર બંદરની કામગીરી અને આંતરરાષ્ટ્રીય નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) પર સીધી અસર પડી શકે છે.
વાણિજ્ય વિભાગના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારત અને ઈરાન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર લગભગ 1.68 અરબ ડોલર રહ્યો હતો. આમાંથી ભારતે 1.24 અરબ ડોલરની નિકાસ કરી હતી. જ્યારે 0.44 અરબ ડોલરની આયાત કરી હતી. ભારતને આ વેપારમાં 0.80 અરબ ડોલરનો સરપ્લસ મળ્યો હતો.
ભારતમાંથી ઈરાનમાં ચોખા, ચા, ખાંડ, દવાઓ, કૃત્રિમ ફાઇબર અને ઇલેક્ટ્રિકલ સાધનોની નિકાસ થાય છે. જ્યારે ઈરાનમાંથી ભારત સૂકા મેવા, રસાયણો અને કાચના વાસણોની આયાત કરે છે.
જો અશાંતિને કારણે સપ્લાય ચેઈન ખોરવાશે તો સૂકા મેવા અને રસાયણોના ભાવમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને ફાર્મા ઉદ્યોગ માટે જરૂરી રસાયણોની આયાત પર અસર પડશે. જે દવાઓના ભાવ વધારવાની શક્યતા ઊભી કરી શકે છે.