25 માંથી 17 લાઈટો બંધ હોવાથી અંધારપટ; તળાવમાં મગરનો વસવાટ હોવા છતાં સુરક્ષાના નામે માત્ર ‘પ્લાસ્ટિકની દોરી’ના ભરોસે જનતા!
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. વડોદરાના કલાલી ગામ સ્થિત તળાવ પાસે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને મોર્નિંગ વોકર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કલાલી તળાવની આસપાસ લગાવવામાં આવેલી 25 જેટલી સ્ટ્રીટ લાઈટોમાંથી અંદાજે 17 લાઈટો લાંબા સમયથી બંધ હાલતમાં છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર શોભાના ગાંઠિયા સમાન થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ રાત્રિના સમયે કે વહેલી સવારે અહીં સંપૂર્ણ અંધારપટ છવાયેલો હોય છે. વહેલી સવારે વોકિંગ માટે આવતા વૃદ્ધો અને મહિલાઓને અંધારામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ તળાવમાં બે થી ત્રણ મગરો વસવાટ કરે છે અને અવારનવાર સાપ પણ જોવા મળે છે. લાઈટો બંધ હોવાને કારણે અને ઝાડ-પાનની ગીચતા વચ્ચે વન્યજીવોના હુમલાનો ભય સતત તોળાઈ રહ્યો છે. અંધારામાં કોઈ અઘટિત ઘટના ઘટે તો તેની જવાબદારી કોની? તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે.

સૌથી ગંભીર બાબત એ છે કે તળાવની આસપાસ કોઈ મજબૂત પ્રોટેક્શન વોલ કે લોખંડના બેરીકેડ લગાવવામાં આવ્યા નથી. તળાવની બિલકુલ બાજુમાં બાળકો માટેનું ગાર્ડન આવેલું છે, જે તળાવથી માત્ર 10-15 ફૂટના અંતરે જ છે. પાલિકાએ સુરક્ષાના નામે અહીં માત્ર પ્લાસ્ટિકની દોરી બાંધીને સંતોષ માની લીધો છે. જો કોઈ નાનું બાળક રમતા-રમતા તળાવમાં ખાબકે, તો મોટી જાનહાનિ થવાની શક્યતા છે.

સ્થાનિક નાગરિકોએ સ્થળ મુલાકાત લઈ વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, સત્તાધીશો કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગે છે. માત્ર કાગળ પર વિકાસ કરવાને બદલે પ્રાયોગિક ધોરણે લોકોની સુરક્ષા માટે તળાવ પર મજબૂત બેરીકેડ લગાવવામાં આવે અને બંધ લાઈટો તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.