આમ્રપાલી અને દીપાવલી સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી પાણીનો વિકટ પ્રશ્ન
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી આમ્રપાલી અને દીપાવલી સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી પાણીનો વિકટ પ્રશ્ન ઉભો થયો છે. વારંવારની રજૂઆત છતાં પણ કોઈ નક્કર પગલા લેવામાં નહીં આવતા સોસાયટીના રહીશો એકત્ર થઈને આજે માટલા ફોડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રારંભે શરૂ થયેલો પાણીનો કકળાટ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દરરોજ પીવાના પાણીની બુમરાણો પડી રહી છે. તેવામાં આજે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી આમ્રપાલી અને દિપાવલી સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા હતા. વિસ્તારના લોકોએ આક્ષેપ કર્યો છે કે, છેલ્લા છ મહિનાથી તેમના મકાનોમાં પીવાનું પાણી આવતું નથી. સ્થાનિક કોર્પોરેટરોને, વોર્ડ કચેરીમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી અધિકારીઓ આવે છે અને માત્ર ફોટો અને વિડીયો ઉતારીને જતા રહે છે. પરંતુ, આજ દિન સુધી કોઈ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી. 500 રૂપિયાની ટેન્કર મંગાવી એ પરવડે તેમ નથી.

બે સોસાયટીના મળીને આશરે 100 ઉપરાંત પરિવારના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે નાછૂટકે આજે સ્થાનિક રહીશોએ એકત્ર થઈ પ્લે કાર્ડ સાથે સૂત્રોચાર સાથે માટલા ફોડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને જો હજી પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ કરવા તંત્રને ચેતવણી પણ વિસ્તારના લોકોએ આપી હતી.