Vadodara

બાઈકની પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું બનાવી દારૂની ડિલિવરી, 188 ક્વાર્ટર જપ્ત

બુટલેગરની કારીગરી જોઈ છાણી પોલીસ પણ ચોંકી

વડોદરા | તા. 11
વડોદરામાં દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો હવે પોલીસને પણ ચોંકાવે એવી નવી નવી કારીગરી અપનાવી રહ્યા છે. તાજેતરમાં છાણી પોલીસે બાઈકની પેટ્રોલ ટાંકીમાં ખાસ બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂ સંતાડીને ડિલિવરી આપવા જઈ રહેલા બે શખ્સોને ઝડપી પાડતા ભારે ખળભળાટ મચી ગયો છે. પેટ્રોલ ટાંકીની અંદર ચતુરાઈથી દારૂ છુપાવેલો જોઈ પોલીસ સ્ટાફ પણ એક ક્ષણ માટે દંગ રહી ગયો હતો.


પેટ્રોલ ટાંકી અને સીટ નીચે છુપાવ્યો હતો દારૂ
છાણી પોલીસની ટીમ શનિવારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઓમકારપુરા તરફથી બાજવા ચેકપોસ્ટ તરફ એક બાઈક પર બે શખ્સો વિદેશી દારૂ લઈ જઈ રહ્યા છે. બાતમી અનુસાર તેમણે બાઈકની પેટ્રોલ ટાંકીમાં ખાસ ચોરખાનું બનાવી નાની બોટલો સંતાડી હતી. જેના આધારે છાણી પોલીસે સ્ટેશન સામેના રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની બાઈક આવતા જ તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન બાઈકની પેટ્રોલ ટાંકીમાં બનાવેલું ચોરખાનું ખુલતાં અંદરથી વિદેશી દારૂના 188 ક્વાર્ટર મળી આવ્યા હતા. ઉપરાંત સીટ નીચે પણ દારૂ છુપાવેલો હોવાનું સામે આવ્યું. પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઇલ ફોન અને બાઈક સહિત કુલ રૂ. 63 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બે દિવસમાં બીજી વખત એ જ મોડસ ઓપરેન્ડી
પોલીસ માટે ચિંતાજનક બાબત એ છે કે માત્ર બે દિવસ અગાઉ પણ છોટાઉદેપુરના બે શખ્સોને આ જ મોડસ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરી કરતા પકડવામાં આવ્યા હતા. ત્યારે પાણીની ટાંકીમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડવામાં આવ્યો હતો અને હવે પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું! આથી સ્પષ્ટ થાય છે કે બુટલેગરો સતત નવી નવી રીતો અપનાવી પોલીસને ચકમો આપવા પ્રયાસ કરી રહ્યા છે.
ઝડપાયેલા આરોપીઓ
ઝડપાયેલા બંને આરોપીઓના નામ
ગોપાલ ચેતન રાઠવા (રહે. હોળી ફળિયું, લગામી ગામ, પો. ડોલરીયા, તા. જિ. છોટાઉદેપુર)
અજય ગોપાલ રાઠવા (રહે. વચ્ચલું ફળિયું, ખોરવણીયા ગામ, તા. જિ. છોટાઉદેપુર)
છાણી પોલીસ દ્વારા દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને ડિલિવરી આપવા જઈ રહ્યા હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top