Vadodara

ખાલી કન્ટેનરની અંદર દારૂનો ખજાનો! ચોરખાનું ખુલતાં જ પીસીબીના જવાન પણ ચોંકી ઉઠ્યા

નેશનલ હાઈવે–48 પર ઉતરાયણ પહેલાં બુટલેગરોને મોટો ઝટકો
રૂ.33.74 લાખનો વિદેશી દારૂ ઝડપી, કુલ રૂ.48.79 લાખનો મુદ્દામાલ કબ્જે
વડોદરા | તા. 10
ઉતરાયણના તહેવારને લઈને બુટલેગરો દારૂની હેરાફેરીમાં સક્રિય બન્યા છે, ત્યારે પીસીબી પોલીસે તેમની તમામ ચાલાકી પર પાણી ફેરવી દીધું છે. નેશનલ હાઈવે–48 પર આવેલી કોમ્ફર્ટ ઇન હોટલ અને નાયરા પેટ્રોલ પંપ વચ્ચેના ટ્રક પાર્કિંગમાં પીસીબીએ એક આઇસર કન્ટેનર પર રેડ કરી હતી. કન્ટેનર ખોલતાં તે સંપૂર્ણ ખાલી દેખાતું હતું, પરંતુ આગળ જે ખુલાસો થયો તે પોલીસ માટે પણ ચોંકાવનારો રહ્યો.


ખાલી કન્ટેનર જોઈને શંકા વધુ ઘેરી

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે 9 જાન્યુઆરીએ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કન્ટેનરમાં બેઠેલા ચાલક રમેશકુમાર ઉર્ફે કાલુરામ ખીચડને નીચે ઉતારી તપાસ કરવામાં આવી. પાછળનો દરવાજો ખોલતા અંદર કશું જ ન હોવાનું જણાતાં એક ક્ષણ માટે બધાને આશ્ચર્ય થયું, પરંતુ પીસીબીની ટીમને પોતાની બાતમી પર પૂરો વિશ્વાસ હતો. કડક પૂછપરછ બાદ ચાલકે કન્ટેનરમાં જ બનાવેલું ગુપ્ત ચોરખાનું ખોલતાં દારૂની પેટીઓ દેખાઈ અને પોલીસ સ્ટાફ પણ દંગ રહી ગયો.


લુધિયાણાથી ખેડા સુધી દારૂ પહોંચાડવાની ગુપ્ત યોજના
ચોરખાનામાંથી વિદેશી દારૂની મોટી માત્રા બહાર કાઢવામાં આવી, જેની કિંમત રૂ.33.74 લાખ હોવાનું બહાર આવ્યું. કન્ટેનર, મોબાઇલ અને રોકડ રકમ સાથે કુલ રૂ.48.79 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પૂછપરછમાં ચાલકે ખુલાસો કર્યો કે દારૂનો જથ્થો લુધિયાણાથી લાવવામાં આવ્યો હતો અને નેશનલ હાઈવે મારફતે ખેડા પહોંચાડવાનો પ્લાન હતો. દારૂ સપ્લાય કરનાર ફીજી નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઉતરાયણ પહેલા પીસીબીની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

Most Popular

To Top