નગરપાલિકા સામે ભેદભાવનો ગંભીર આક્ષેપ, પ્રતિક ઉપવાસની ચીમકી
વર્ષોથી અવગણાતી સુવિધાઓ, નાગરિકોમાં રોષ
કાલોલ |
કાલોલ શહેરના વોર્ડ નંબર–4 વિસ્તારમાં વર્ષોથી અવગણાતી મૂળભૂત નાગરિક સુવિધાઓ અંગે વોર્ડના ચારેય ચૂંટાયેલા કાઉન્સિલરો દ્વારા નગરપાલિકા તંત્રને કડક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. વોર્ડના કાઉન્સિલરો મીનાબેન કે. સુથારીયા, સાયરાબીબી એ. કાનોડિયા, હર્ષદપુરી એ. ગોસાઈ અને અબ્દુલસલામ કોસિયાએ કાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારીને કાયદેસર લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
વોર્ડ નં. 4માં રસ્તા, પીવાનું પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને ચોમાસાના પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓ વર્ષોથી અવગણાઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અનેક કામો માટે લાંબા સમય પહેલા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં આજદિન સુધી કામો શરૂ ન થતાં નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાઈવે (રાધેશ્યામ કોમ્પ્લેક્સ વાળો ઢાળ)થી જલારામ નગર સોસાયટી સુધીનો મુખ્ય રસ્તો, ગધેડિયા ફળિયામાં ખુલ્લું જોખમી નાળું, માઁ રેસીડેન્સી વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી પીવાના પાણીની અછત, ભાગ્યોદય સોસાયટીમાં ચોમાસાના પાણીનો નિકાલ ન થવો અને મુખ્ય ગેટથી ભાથીજી મહારાજના મંદિર સુધી ગટરલાઇનની વર્ષોથી સફાઈ ન થવી જેવી સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.
10 દિવસનો સમય, 19 જાન્યુઆરીથી પ્રતિક ઉપવાસની ચેતવણી
કાઉન્સિલરોનો આક્ષેપ છે કે વોર્ડમાં દલિત, લઘુમતી અને ઓબીસી સમાજની વસ્તી વધુ હોવાના કારણે નગરપાલિકા દ્વારા ભેદભાવપૂર્ણ વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જે બંધારણીય સમાનતાના સિદ્ધાંતના વિરુદ્ધ છે. તમામ મુદ્દાઓના નિરાકરણ માટે નગરપાલિકા તંત્રને 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં કોઈ નક્કર અને મેદાન પર દેખાય તેવી કાર્યવાહી નહીં થાય, તો 19 જાન્યુઆરી, 2026થી વોર્ડ નંબર–4ના ચારેય કાઉન્સિલરો અચોક્કસ મુદતના શાંતિપૂર્ણ પ્રતિક ઉપવાસ પર બેસશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. આ બાબતે PMO પોર્ટલ તથા પંચમહાલ જિલ્લા કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે.