મંદિરમાં ભગવાનનાં દર્શન કરી લીધા પછી, મંદિરમાં બેસી બે/ચાર ભજન ગાઈ …પછી ચાર પાંચ સન્નારીઓની ટોળી વાતોએ વળગતી…..વાતોનો મુખ્ય વિષય ઘરના અને ઘરનાં સભ્યોની ચિંતા જ રહેતી …કોઈને દીકરાના લગ્ન ન થતાં હોય તેની ચિંતા ..તો કોઈને વહુ સારી નથી એટલે ઘર કેમ જાળવશે ની ચિંતા…કોઈને પતિના સ્વાસ્થ્યની ચિંતા …તો કોઈના પોતાના દુખતા ઘુંટણની…કોઈને પૌત્રના દસમા ધોરણમાં પાસ થવાની…કોઈને પૌત્રીના લગ્નની…૬૦-૭૦ ની વચ્ચેના વય જૂથની આ સ્ત્રીઓની ચિંતાનો કોઈ પાર ન હતો અને વળી છેલ્લે વાતોનો સૂર એમ આવતો કે અમે નહિ હોઈએ ત્યારે મારા ઘર અને કુટુંબનું શું થશે તેની સૌથી વધારે ચિંતા અમને સતાવે છે.
લગભગ આ જ અને આવી જ વાતો કરતાં આ બહેનોની વાતોને રોજ દર્શન કરવા આવતાં કરિશ્માબહેન રોજ સાંભળતાં.તેઓ એક શાળામાં ટીચર હતાં.એક દિવસ કરિશ્માબહેને તેમની પાસે જઈને કહ્યું, “બહેનો,હું તમારી સાથે બેસી શકું ..તમારી વાતો રોજ મારા કાને પડે છે અને તમારી બધી વાતોનો મુખ્ય વિષય હોય છે કોઈને કોઈ વાતની ચિંતા….ખરું ને..બધે હકારમાં માથું ધુણાવ્યું અને બોલ્યાં ચિંતા ન કરીએ તો શું કરીએ?
કરિશ્માબહેને કહ્યું, “હું તમને એક વાત પૂછું?…તમે અહીં મંદિરે રિક્ષામાં કે ટેક્સીમાં આવતાં હશો ..કોઈ બસમાં પણ આવતાં હશો શું તમે બધા તે રીક્ષા,ટેક્સી કે બસના ડ્રાઈવરને જાણો છો …શું તમને ખબર છે કે તે બરાબર રીક્ષા,ટેક્સી કે બસ ચલાવતા જાણે છે કે નહિ ….પણ તમે કોઈ ચિંતા કર્યા વિના નિરાંતે તેની પર વિશ્વાસ મૂકી બેસી જાવ છો ….તમે ટ્રેનમાં બેસી બહારગામ ફરવા કે યાત્રાએ જાવ છો ત્યારે શું તમે ટ્રેન ચલાવનાર મોટરમેનને ઓળખો છો …..ના …છતાં નિરાંતે ટ્રેનમાં બેસી જાવ છો…બરાબર ને.”એક બહેન વચ્ચે બોલ્યાં, “હા,એમાં શું? તમે કહેવા શું માંગો છો?”
કરિશ્માબહેને કહ્યું, “તમે અહીં મંદિરે શું કામ આવો છો?” એક બહેન બોલ્યાં, “ભગવાનનાં દર્શન કરવા…”કરિશ્માબહેન બોલ્યાં, “ભગવાનનાં દર્શન કરો છો પણ ભરોસો કરતાં નથી…આપણને બધાને પ્રભુએ બનાવ્યા છે તે આપણા સૌના જીવનના તારણહાર છે …. સારથિ છે …ભજન ગાવ છો -‘મારી નાવ તમારે હાથ’તો પછી સાચે વિશ્વાસ રાખો પ્રભુ પર …સોંપી દો બધું ઈશ્વરને ..તેના હાથમાં …..તો પછી જીવનમાં ચિંતા કરવાની જરૂર નહિ રહે.જીવનનો સાચો આનંદ મળશે. સંભાળનાર દરેકની આંખો ખુલી ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.