Gujarat

પ્રજાની વાત તો દૂર અધિકારીઓ MLAના પણ કામ કરતાં નથી

રાજકોટ : રાજ્યના વહીવટી તંત્રમાં વ્યાપ્ત અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા આ પત્રમાં ‘વંદે માતરમ્’ સાથે શરૂ કરીને વહીવટી વ્યવસ્થાની ટીકા કરી છે. ઉલ્લેખીનય છે કે આ પહેલાં 2017ની વિધાનસભા ચૂંટણી બાદ ત્રણ ધારાસભ્યોએ સર્કિટ હાઉસ પર બેઠક બોલાવી કામ થતાં ન હોવાનો બળાપો કાઢ્યો હતો.

પત્રમાં જણાવાયું છે કે રાજ્યમાં વહીવટી તંત્રનું કામકાજ ખોરંભે ચડી ગયું છે અને પ્રજાનાં સામાન્ય કામો પણ કરાવવા મુશ્કેલ બની ગયાં છે. અધિકારીઓ અને કર્મચારીઓની ખરાબ માનસિકતાને કારણે સરકારી કચેરીઓમાં એક સામાન્ય વ્યક્તિને પોતાનું કામ કરાવવું યુદ્ધ જેવું થઈ ગયું છે. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધીક્ષક, પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ પોતાની મનગમતી કચેરીઓ તૈયાર કરીને સરકારી સચિવો સાથે વીડિયો- કોન્ફરન્સમાં જમીની હકીકતોને અવગણીને ગુલાબી ચિત્ર રજૂ કરે છે. આનાથી સરકારને વાસ્તવિક પરિસ્થિતિથી દૂર રાખવામાં આવે છે અને પ્રજા તથા જનપ્રતિનિધિઓને અવગણીને અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે, જેનાથી સરકારની છબિને નુકસાન પહોંચી રહ્યું છે. ધારાસભ્યોએ વધુમાં આરોપ લગાવ્યો છે કે તેઓ દ્વારા સૂચવાયેલાં પ્રજાનાં કામોને અવગણવામાં આવે છે અને અધિકારીઓ તો પ્રજાને કહે છે કે ‘તમે ધારાસભ્યની મદદ કેમ માગી?’ આવી ખરાબ માનસિકતા વહીવટી તંત્રને સુચારુ રીતે ચલાવવા માટે યોગ્ય નથી. અગાઉ પણ આ અંગે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે ખરાબ માનસિકતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે. જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલાં પ્રજાનાં કામોને પ્રાધાન્ય આપવું જોઈએ અને પ્રજાલક્ષી નિર્ણયો લેવા જોઈએ. જરૂરી હોય તો આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે.

Most Popular

To Top