સુરત શહેરના જિલ્લા કોર્ટમાં આજે વહેલી સવારથી ભારે દોડધામ મચી ગઈ છે. સવારે 02:00 વાગ્યે સુરત જિલ્લા કોર્ટના ઓફિસિયલ મેઈલ એકાઉન્ટ પર એક મેઈલ આવ્યો હતો, જેમાં સુરત જિલ્લા કોર્ટમાં બોમ્બ મુક્યો હોવાની અને આખી કોર્ટને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સવારે કોર્ટ ઊઘડી ત્યારે કર્મચારીઓના ધ્યાન પર આ મેલ આવ્યો હતો. મેઈલ જોતાની સાથે જ સુરત જિલ્લા કોર્ટમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક સુરત પોલીસના કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બે વાગ્યાના અરસામાં સુરત જિલ્લા કોર્ટના ઓફિસિયલ મેઈલ એકાઉન્ટ પર એક નનામી મેઈલ આવ્યો હતો જેમાં એવી ધમકી આપવામાં આવી હતી કે સુરત જિલ્લા કોર્ટને RDX બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.
સવારે કોર્ટના કર્મચારીઓએ મેઈલ જોયો હતો. આ અંગે સુરત જિલ્લા કોર્ટના ઓફિશિયલ દ્વારા તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલને જાણ કરાઈ હતી. સુરત પોલીસ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ તાત્કાલિક કોર્ટ પર પહોંચી ગઈ હતી અને બોમ્બ શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ લખાય છે ત્યાં સુધી કોઈ બોમ્બ મળ્યાના અહેવાલ નથી.
વકીલો અને અસીલોના પ્રવેશ પર પ્રતિબંધ
કોર્ટમાં બોમ્બ મુકાયો હોવાના મેઈલ મળ્યા બાદ કોર્ટના ગેટ બંધ કરી દેવાયા છે. આજે સવારથી જ વકીલો અને અસીલોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે બોમ્બ અંગેનો મેઈલ મળ્યા બાદ તકેદારીના ભાગરૂપે કોર્ટ માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા બોમ્બની શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યાં સુધી પોલીસ તરફથી ક્લીન ચીટ નહીં મળે ત્યાં સુધી કોઈને પણ અંદર જવાની મનાઈ છે. હાલ તપાસ ચાલી રહી છે.