વિશ્વશાંતિના નોબેલ પારિતોષિક માટે ઉમેદવારી નોંધાવનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરીને વિશ્વશાંતિનો ભંગ કર્યો છે, એટલું જ નહીં પણ નૈતિકતાના તમામ નિયમો પણ તોડી નાખ્યા છે. દાયકાઓ પહેલાં ઇરાક પર હુમલો કરવા માટે અમેરિકાએ જેમ સમૂહસંહારનાં શસ્ત્રોનું બહાનું ઉપજાવી કાઢ્યું હતું તેમ વેનેઝુએલા પર હુમલો કરવા માટે તેણે ડ્રગ્સ નેટવર્કનો હવાલો આપ્યો છે, જેમાં દેખીતી રીતે વેનેઝુએલાની સરકારની કોઈ ભૂમિકા નથી. જાણકારો કહે છે કે દુનિયામાં ડ્રગ્સનું સૌથી મોટું નેટવર્ક તો અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ ચલાવે છે, જેમાં ડ્રગ્સનો ઉપયોગ શસ્ત્રો ખરીદવા માટે કરવામાં આવે છે.
ઇસપની નીતિકથામાં જે વરુ અને ઘેટાંની કથા આવતી હતી તેમ અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ગુનેગાર ઠેરવ્યા છે અને તેમનું પત્નીસહિત અપહરણ કરીને તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે. અમેરિકા દ્વારા વેનેઝુએલા પર હુમલો કરવામાં આવ્યો તેની પાછળનો મુખ્ય ઇરાદો તેના ખનિજ તેલના ભંડારને લૂંટવાનો છે. આ ધોળા દિવસની લૂંટફાટ છે, જે દુનિયાને શાંતિની સુફિયાણી સલાહ આપતા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહી છે.
ગયા વર્ષે જાન્યુઆરીમાં ટ્રમ્પે પોતાનો બીજો કાર્યકાળ શરૂ કર્યો ત્યારથી તેમણે વેનેઝુએલાની સરકાર પર દબાણ વધાર્યું હતું. પ્રથમ, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે માદુરોને પકડવા તરફ દોરી જતી માહિતી માટે ઇનામ બમણું કર્યું હતું. સપ્ટેમ્બરમાં, અમેરિકન સૈન્યે દક્ષિણ અમેરિકાથી ડ્રગ્સ લાવવા શંકાસ્પદ જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું ત્યારથી કેરેબિયન અને પેસિફિક મહાસાગરમાં આવાં જહાજો પર ૩૦ થી વધુ હુમલા થયા હતા, જેમાં ૧૧૦ થી વધુ લોકો માર્યા ગયાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલાનાં લાખો સ્થળાંતરીઓ અમેરિકામાં આવી રહ્યાં છે તેના માટે માદુરોને જવાબદાર ઠેરવ્યા હતા અને માદુરો પર તેમની જેલો ખાલી કરવાનો અને કેદીઓને અમેરિકા સ્થળાંતર કરવા માટે બળજબરી કરવાનો આરોપ મૂક્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ એવો પણ દાવો કરે છે કે વેનેઝુએલાની સરકાર તેલના પૈસાનો ઉપયોગ ડ્રગ સંબંધિત ગુનાઓને ભંડોળ પૂરું પાડવા માટે કરી રહી છે અને આરોપ લગાવે છે કે માદુરો પોતે એક કાર્ટેલ નેતા છે. અમેરિકાના એટર્ની જનરલ પામેલા બોન્ડીએ શનિવારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસ સામે આરોપોની જાહેરાત કરી હતી. નિકોલસ માદુરો પર નાર્કો-આતંકવાદનું કાવતરું, કોકેઈન આયાતનું કાવતરું અને અમેરિકા વિરુદ્ધ મશીનગન અને ખતરનાક ઉપકરણો રાખવાનું કાવતરું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
બાદમાં, ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપોને અમેરિકા અને તેનાં નાગરિકો વિરુદ્ધ માદુરોના ખૂની નાર્કો-આતંકવાદ અભિયાનના ભાગ તરીકે વર્ણવ્યા હતા. તેમણે માદુરોને ગેરકાયદેસર સરમુખત્યાર પણ કહ્યા અને કહ્યું કે તેમણે હુમલાના એક અઠવાડિયા પહેલાં વેનેઝુએલાના નેતા માદુરોને શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. આ બધા આરોપો ઉપજાવી કાઢવામાં આવ્યા હતા.
વેનેઝુએલા પાસે ૩૦૦ અબજ બેરલથી વધુ તેલ ભંડાર હોવાનો અંદાજ છે, જે વિશ્વના કોઈ પણ દેશ કરતાં સૌથી મોટો છે. આ મુખ્યત્વે ખૂબ જ ભારે ક્રુડ તેલ છે, જે મોંઘું છે અને કાઢવામાં મુશ્કેલ છે, છતાં વેનેઝુએલા વિશ્વનો પાંચમો સૌથી મોટો નિકાસકાર દેશ છે. કેરેબિયન સમુદ્રમાં અમેરિકન નેવીનાં જહાજોની સંખ્યા વધી રહી હોવા છતાં વેનેઝુએલાએ ગયા મહિને ચીન, દક્ષિણ યુરોપ અને અમેરિકામાં દરરોજ લગભગ દસ લાખ બેરલ તેલ મોકલ્યું હતું.
તાજેતરનાં વર્ષોમાં વેનેઝુએલામાં રાજકીય ઊથલપાથલના કારણે તેલ ઉત્પાદન પર અસર પડી છે અને દાયકાઓથી દેશની સરકારી તેલ અને કુદરતી ગેસ કંપની, પેટ્રોલિયોસ ડી વેનેઝુએલા, હડતાળ અને નબળા સલામતી ધોરણોના આરોપોથી પીડાય છે. અમેરિકાએ રાષ્ટ્રપતિ માદુરો પર ડ્રગ્સની હેરાફેરી માટે ખનિજ તેલના પૈસાનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. હાલ પૂરતું વેનેઝુએલાનાં તેલ ક્ષેત્રો હવાઈ હુમલાથી બચી ગયાં હોય તેવું લાગે છે, પરંતુ વેનેઝુએલાના ભવિષ્યમાં તેનો તેલ ઉદ્યોગ મુખ્ય ભૂમિકા ભજવશે. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) અનુસાર, વેનેઝુએલાએ ૨૦૨૩ માં વિશ્વના કુલ ક્રુડ ઓઇલના માત્ર ૦.૮ ટકા ઉત્પાદન કર્યું હતું.
તે હાલમાં દરરોજ લગભગ ૯ લાખ બેરલ નિકાસ કરે છે, જેમાં ચીન સૌથી મોટો ખરીદદાર છે. નિકોલસ માદુરો લાંબા સમયથી ટ્રમ્પ વહીવટીતંત્ર પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ તેમને પદભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી અમેરિકા વેનેઝુએલાના તેલ ભંડારો પર નિયંત્રણ મેળવી શકે. વેનેઝુએલા પરના હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પે શરમને નેવે મૂકીને પોતાનો ઇરાદો જાહેર કરી દીધો છે કે તેઓ વેનેઝુએલાનાં તેલ ક્ષેત્રોમાં અમેરિકાની કંપનીઓની પહોંચ ઇચ્છે છે.
વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડના કલાકોમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ ન્યૂયોર્કમાં દાખલ કરાયેલા ફોજદારી આરોપોના આધારે કાર્યવાહીને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. આ દલીલનું નેતૃત્વ અમેરિકાના એટર્ની જનરલ પામ બોન્ડીએ કર્યું હતું, જેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે માદુરો અને તેમની પત્ની ટૂંક સમયમાં અમેરિકન ભૂમિ પર અમેરિકન અદાલતોમાં અમેરિકન કાયદાની કઠોરતાનો સામનો કરશે.
શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને જણાવ્યું હતું કે આ દરોડો યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ વતી અને તેમની વિનંતી પર કરવામાં આવ્યો હતો. આ નિવેદનોને વેનેઝુએલા પરના હુમલાઓ અને માદુરોને હટાવતાં પહેલાં કોંગ્રેસ તરફથી મંજૂરીના અભાવ અંગે ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ઘટાડવાના પ્રયાસ તરીકે પણ માનવામાં આવી રહ્યા છે.
આ મુદ્દો ટ્રમ્પ વહીવટીતંત્ર માટે પણ મુશ્કેલ બની શકે છે. કાયદા મુજબ, વેનેઝુએલા સામે લાંબા ગાળાની લશ્કરી કાર્યવાહી માટે રાષ્ટ્રપતિને કોંગ્રેસની મંજૂરીની જરૂર હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એવો પણ સંકેત આપ્યો હતો કે માદુરોની હકાલપટ્ટી પછી અમેરિકા થોડા સમય માટે વેનેઝુએલાનું સંચાલન કરશે. નવેમ્બરમાં, વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ સુઝી વિલ્સે વેનિટી ફેર મેગેઝિનને જણાવ્યું હતું કે વેનેઝુએલામાં જમીન પર હુમલા માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી રહેશે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તે જ મહિને જાહેરમાં આ વિચારનો ઇનકાર કર્યો હતો.
અમેરિકન કોંગ્રેસને ગેરમાર્ગે દોરવાના આરોપો વચ્ચે, રુબિયોએ કહ્યું હતું કે અમેરિકાના કાયદા નિર્માતાઓને ઓપરેશન પહેલાં જાણ કરવામાં આવી ન હતી કારણ કે તે મૂળભૂત રીતે કાયદા અમલીકરણ કામગીરી હતી અને યુદ્ધ કાર્યવાહી નહીં. યુદ્ધ વિભાગે ન્યાય વિભાગને તે હાથ ધરવામાં ટેકો આપ્યો હતો. પોતાના મુદ્દા પર ભાર મૂકવા માટે રુબિયોએ માદુરોને અમેરિકન ન્યાયથી ભાગેડુ કહ્યો હતો. ટ્રમ્પ વહીવટીતંત્ર યુદ્ધ સત્તા ઠરાવનો પણ ઉલ્લેખ કરી શકે છે.
આ કાયદો રાષ્ટ્રપતિને કોંગ્રેસની મંજૂરી વિના ૬૦ દિવસ સુધી મર્યાદિત લશ્કરી કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપે છે, જેમાં જો કોંગ્રેસને ૪૮ કલાકની અંદર જાણ કરવામાં આવે તો સૈનિકો પાછા ખેંચવા માટે વધારાના ૩૦ દિવસનો સમયગાળો હોય છે. આ માળખા હેઠળ રાષ્ટ્રપતિ દાવો કરી શકે છે કે તેમની પાસે વેનેઝુએલા પર હુમલો કરવાનો કાયદેસર અધિકાર છે અને તેમને કોંગ્રેસને અગાઉથી જાણ કરવાની જરૂર નથી. જો કે, અમેરિકાના કાયદા ઘડનારાઓ હજુ પણ વધુ લશ્કરી કાર્યવાહીને સમાપ્ત કરવા માટે મતદાન કરી શકે છે. આગામી દિવસોમાં આ અંગે મતદાન થવાની અપેક્ષા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.