ક્રાઈમ બ્રાન્ચે ગોરવાના આરોપીને પકડ્યો, રૂ. 1.57 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
(પ્રતિનિધિ) વડોદરા, તા. 5
તરસાલી બાયપાસ પાસે આવેલા બ્લીસ ફાર્મ–ચીખોદરા રોડ પર પાર્ક કરેલી કારનો કાંચ તોડી ડોલર સહિતના કિંમતી સામાનની ચોરી કરનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તેની પાસેથી રૂ. 1.57 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોરવા દશા માતાજીના મંદિર પાસેના ખુલ્લા મેદાનમાંથી શંકાસ્પદ હાલતમાં મોપેડ સાથે ફરતા નિર્મલ ઉર્ફે મંગલ ઉર્ફે પાંડે પ્રવીણભાઈ આહિર (રહે. સત્યમ એપાર્ટમેન્ટ, ગોરવા; મૂળ રહે. સૂર્યલોક સોસાયટી, સુભાનપુરા)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સોનાની ચેન અને એક મોબાઇલ ફોન મળી આવ્યા હતા, જેના બાબતે તે કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો નહોતો.
સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના સાગરીત સાથે મળીને ગત તા. 11 ડિસેમ્બરે સાંજના 7થી 9 વાગ્યાના સમયગાળા દરમિયાન તરસાલી બાયપાસ નજીક બ્લીસ ફાર્મ–ચીખોદરા રોડ પર પાર્ક કરેલી ક્રેટા કારનો કાંચ તોડી અંદરથી સોનાની ચેન, ત્રણ હજાર ડોલર, કપડાં સહિત કુલ છ બેગોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરાયેલા માલની કુલ કિંમત અંદાજે રૂ. 1.50 લાખથી વધુ હોવાનું બહાર આવ્યું છે.
કબૂલાતના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને કપૂરાઈ પોલીસ મથકને સોંપ્યો છે. તપાસમાં વધુમાં ખુલ્યું છે કે નિર્મલ વર્ષ 1999થી અવારનવાર ચોરી તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલો છે. વર્ષ 2002માં જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનના ગુનામાં તેને આજીવન કેદની સજા થઈ હતી અને આઠ વર્ષ જેલમાં રહ્યો હતો. અપીલ બાદ છૂટ્યા પછી પણ તેણે ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી, જેના કારણે તેની સામે ચોરી સહિત કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.