ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે 5 જાન્યુઆરી સોમવારે પ્રધાનમંત્રી નિવાસસ્થાને પીએમ નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી. આ બેઠક દરમિયાન રાજ્યની રાજકીય સ્થિતિ, મંત્રીમંડળ વિસ્તરણ અને 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. જોકે બેઠક બાદ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ આ મુલાકાતને રાજકીય દૃષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા સંગઠનાત્મક ફેરફારો અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને આ બેઠક પર રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ છે.
દિલ્લી પ્રવાસ દરમિયાન સીએમ યોગી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ નીતિન નવીન અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરશે. માનવામાં આવે છે કે આ બેઠકોમાં પાર્ટીના સંગઠન, આવનારી ચૂંટણીની રણનીતિ અને રાજ્ય સરકારના કામકાજ અંગે ચર્ચા થશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ભાજપમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. તાજેતરમાં નીતિન નવીનની રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેનાથી રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. તે જ સમયે ઉત્તર પ્રદેશમાં પંકજ ચૌધરીને નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પદ માટે પંકજ ચૌધરી એકમાત્ર ઉમેદવાર હતા.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજકારણમાં સામાજિક બેઠકોને લઈને પણ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં લખનઉમાં પી.એન. પાઠકના નિવાસસ્થાને બ્રાહ્મણ ભાજપ ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. જેમાં આશરે 40 ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકને ‘સહભોજ’ નામ આપવામાં આવ્યું હતું. જેને લઈને રાજકીય ખળભળાટ જોવા મળ્યો હતો.
આ બેઠક પહેલાં ઠાકુર સમુદાયના ધારાસભ્યો દ્વારા પણ બેઠકો યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ જયવીર સિંહ અને દયાશંકર સિંહ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. એટલું જ નહીં લોધ અને કુર્મી સમુદાયના નેતાઓ દ્વારા પણ અલગ-અલગ મંચો પર બેઠકો યોજાઈ હતી પરંતુ તે સમયે કોઈ મોટો વિવાદ ઊભો થયો ન હતો.
આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સીએમ યોગી અને પીએમ મોદી વચ્ચેની મુલાકાતને ઉત્તર પ્રદેશની રાજકીય દિશા અને આવનારી ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.