અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે કડક વલણ અપનાવ્યું છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના મુદ્દે તેમણે ભારતને ચેતવણી આપતા કહ્યું છે કે જો ભારત આ મામલે અમેરિકા સાથે સહયોગ નહીં કરે તો ભારતીય ઉત્પાદનો પર વધુ ટેરિફ લાદવામાં આવી શકે છે. આ નિવેદન ટ્રમ્પે આજે સોમવાર 5 જાન્યુઆરી 2026ના રોજ આપ્યું હતું.
વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક ઓડિયો અનુસાર ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને જો આ મુદ્દે અમેરિકા સાથે મદદ નહીં કરે તો અમેરિકા ભારત પર ઝડપથી કર વધારી શકે છે. તેમણે કહ્યું કે ટેરિફ વધારવું અમેરિકા માટે મુશ્કેલ કામ નથી અને તે તાત્કાલિક અસર કરી શકે છે.

જો કે ટ્રમ્પે સાથે સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી હતી. તેમણે મોદીને “ખૂબ સારા માણસ” ગણાવતા કહ્યું કે ભારત તેમને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પના શબ્દોમાં વડા પ્રધાન મોદી એક સારા નેતા છે અને તેઓ જાણે છે કે અમેરિકા શું ઇચ્છે છે. તેમ છતાં તેમણે સ્પષ્ટ કર્યું કે વેપાર અને નીતિના મુદ્દે અમેરિકા પોતાનું હિત જ જોવાશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા પહેલાથી જ ભારત પર ભારે ટેરિફ લાદી ચૂક્યું છે. હાલ ભારતીય ઉત્પાદનો પર કુલ 50 ટકા સુધીનો ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. જેમાંથી 25 ટકા દંડ સ્વરૂપે વસૂલવામાં આવે છે. આ દંડ ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના પગલાંને કારણે લગાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ ટેરિફ 10 ટકા હતો. જે પછી વધારીને 25 ટકા અને બાદમાં 50 ટકા કરવામાં આવ્યો.
આ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) અંગે વાતચીત ચાલી રહી છે. તેનો પહેલો તબક્કો ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે.
બીજી તરફ ભારત-અમેરિકા વેપારમાં ઘટાડો પણ નોંધાયો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના અહેવાલ મુજબ મે થી સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારતની અમેરિકા તરફની નિકાસમાં 37.5 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળામાં નિકાસ $8.8 બિલિયનથી ઘટીને $5.5 બિલિયન રહી છે. જે છેલ્લા વર્ષોમાં સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે.