Columns

મંઝિલને નજર સામે રાખો

એડવોકેટ નિશિકાંત હમણાં જ કેસની પેરવી કરીને કોર્ટરૂમની બહાર નીકળ્યા, તેમનું ધ્યાન બારણા પાછળ છુપાઈને જજની ખુરશી તરફ જોતી પોતાની દીકરી શિપ્રા પર પડ્યું. તેમણે શિપ્રા પાસે જઈને કહ્યું, ‘અરે દીકરા તું અહીં છુપાઈને શું જુએ છે અને તારી પરીક્ષા નજીક છે, તારે ભણવાનું નથી?’ એડવોકેટ નિશિકાંતની દીકરી શિપ્રા એલએલએમ થઈ અને હવે જજ બનવાની પરીક્ષા આપી રહી હતી અને તેની પરીક્ષા નજીક જ હતી. તે બોલી, ‘પપ્પા, પરીક્ષા તો નજીક છે.’ એડવોકેટ નિશિકાંત થોડા ગુસ્સામાં બોલ્યા, ‘તને ખબર છે પરીક્ષા નજીક છે તો પછી તું અહીં કોર્ટમાં આવીને કોર્ટરૂમના બારણા પાછળ ઊભી રહીને અંદર શું જોઈ રહી છે? આમ શું કામ સમય બરબાદ કરે છે? તું એલએલબી એલએલએમ ભણેલી છે. કોર્ટમાં કેટલી બધી વાર આવી ચૂકી છે તારા માટે આ કોર્ટ અને આ કોર્ટરૂમ કોઈ નવી વાત નથી તો પછી અહીંયા આવીને સમય વગાડવાનો અર્થ શું?’

 શિપ્રા બોલી, ‘પપ્પા હું પરીક્ષાની તૈયારી તો પૂરેપૂરી લગન સાથે કરું છું, કોઈ જ કચાશ રાખતી નથી, પણ જ્યારે પણ મનને એમ થાય કે બહુ અઘરું છે કે બહુ મહેનત કરવી પડે છે કે મગજ થાકી ગયું છે ત્યારે હું અહીં કોર્ટરૂમમાં આવી જાઉં છું અને આ બારણા પાછળથી શાંતિથી છુપાઈને પેલી જજની ખુરશીને જોયા કરું છું અને એ જજની ખુરશી જોઇને મારા મન અને મગજને સમજાવું છું કે આ મારી મંઝિલ છે હું જો અત્યારે થાક્યા વિના, અટક્યા વિના મહેનત કરીશ તો થોડા જ વખતમાં આવી એક ખુરશી પર હું ન્યાયાધીશ બનીને બેઠી હોઈશ. બસ મારી મંઝિલને હું નજર સામે જોઉં છું અને મને ફરી મહેનત કરવાનું, ફરી વધુ મહેનત કરવાનું જોમ ચડે છે. શિપ્રાનો જવાબ સાંભળીને નિશિકાંત ચૂપ થઈ ગયા અને દીકરીને વ્હાલથી ભેટી પડ્યા.

 જીવનમાં સફળ થવું હોય ને તો આ જ રીતે લગનથી મહેનત કરો, પ્રયત્ન કરો, મુશ્કેલીઓ સામે લડો અને તમારી મંઝિલને તમારી નજર સામે રાખો. મંઝિલને એક ક્ષણ માટે પણ ભૂલો નહીં, તેને ઘડી ઘડી ફરી ફરી જોતા રહો તો તમને મહેનત કરવાની વધુને વધુ તાકાત મળશે અને તમે વધુ મહેનત કરી સફળ થઈ શકશો. કોઇપણ મંઝિલ મેળવી શકશો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top