Vadodara

ન્યાયમંદિર દૂધવાલા મહોલ્લામાં વર્ષો જૂનું મકાન ધરાશાયી

મોટા અવાજથી લોકોમાં ફફડાટ, વાહનો દબાયા
(પ્રતિનિધિ) વડોદરા, તા. 3
વડોદરા શહેરના ન્યાયમંદિર વિસ્તારના દૂધવાલા મહોલ્લામાં સંતોષ નિવાસ લોજની ગલીમાં વર્ષો જૂનું એક મકાન અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો હતો. મકાન ધરાશાયી થવાના મોટા અવાજથી આસપાસના રહેવાસીઓ દોડતા થયા હતા. આ બનાવમાં નીચે પાર્ક કરેલા કેટલાક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જ્યારે સામે આવેલા અન્ય મકાનને પણ નુકસાન પહોંચ્યું હતું.

વડોદરા શહેરમાં હજુ પણ અનેક જર્જરિત ઇમારતો અકસ્માતને આમંત્રણ આપી રહી હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. નિર્ભયતા શાખા દ્વારા આવા મકાનોને અગાઉ નોટિસ આપવામાં આવતી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થવાને કારણે અવારનવાર આવા બનાવો બનતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
બનાવની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે સાથે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, સવારે ફાયર કંટ્રોલ રૂમમાંથી દૂધવાલા મહોલ્લામાં મકાન ધરાશાયી થવાનો કોલ મળ્યો હતો. મકાન ખૂબ જ જૂનું અને ગલીઓ સાંકડી હોવાના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. હાલ કાટમાળ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

આ ઘટનાએ શહેરમાં રહેલી અન્ય જર્જરિત ઇમારતો સામે તાત્કાલિક પગલાં લેવા તંત્રની જવાબદારી તરફ ફરી ધ્યાન દોર્યું છે.

Most Popular

To Top