Gujarat

વર્ષના અંતિમ દિવસે ભરશિયાળે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠા

ગાંધીનગર: ભરશિયાળે ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક દરમ્યાન માવઠાની વકી વચ્ચે હવે ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ખાસ કરીને ગાંધીનગરમાં 13 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. જયારે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર રાજયમાં આગામી 24 કલાક પછી ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી જેટલો નીચે ગગડી જવાની વકી છે. જેના પગલે 2026ના વર્ષમાં પહેલા જ દિવસથી ઠંડી વધવાની છે. બીજી તરફ રાજયમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠા શરૂ થઈ ગયા છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં માવઠું થશે. 24 કલાક પછી રાજયમાં આકાશ સ્વચ્છ થઈ જવાની સંભાવના રહેલી છે.

હવામાન વિભાગના સુત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી ભૂજમાં 17 ડિ.સે.,નલિયામાં 16 ડિ.સે.,કંડલા પોર્ટ પર 17 ડિ.સે., અમરેલીમાં 14 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે.,રાજકોટમાં 15 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે.,મહુવામાં 15 ડિ.સે., અમદાવાદમાં 15 ડિ.સે.,ડીસામાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 16 ડિ.સે.,વડોદરામાં 15 ડિ.સે.,અને સુરતમાં 16 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.

આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પોરબંદર શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારો તેમજ દ્વારકા અને કલ્યાણપુર પંથકમાં ઝરમર વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોના ચિન્તામાં મૂકાઈ ગયા છે.

વર્ષ 2025ના અંતિમ દિવસે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ભારત પર સક્રિય થયેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ પોરબંદર અને દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં હળવા માવઠાની સંભાવના છે. આજે સુરત, અમદાવાદ તથા ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણ ગાઢ ઘુમ્મસવાળું જોવા મળ્યું હતું.

Most Popular

To Top