આધુનિક યુગમાં કોન્ટ્રાક્ટરના ‘બાબા આદમ’ના જમાનાના સાધનો; માનીતા કોન્ટ્રાક્ટરને કમાણી કરાવી આપવાનો ખેલ?
વડોદરા:;વડોદરા પાસે મહીસાગર નદી પર આવેલો અને વર્ષો જૂનો ઉમેટા બ્રિજ હાલ જર્જરિત હાલતમાં હોવાથી તેની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગંભીરા બ્રિજ બંધ થયા બાદ સમગ્ર ટ્રાફિકનું ભારણ આ બ્રિજ પર આવતા તેની ખસ્તા હાલત જગજાહેર થઈ હતી. ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને મરામત શરૂ કરાવી હતી, પરંતુ સ્થળ પરની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર રિપેરિંગના નામે લીપાપોતી કરવામાં આવી રહી છે.

બ્રિજની રેલિંગમાં પડેલી મોટી તિરાડોને માત્ર સિમેન્ટના થર લગાવીને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બ્રિજ પરથી જ્યારે ભારે વાહનો પસાર થાય છે ત્યારે આખો બ્રિજ ધ્રૂજે છે અને જમ્પ મારે છે, તેવામાં આ પ્રકારનું સામાન્ય રિપેરિંગ કેટલું ટકશે તે એક મોટો પ્રશ્ન છે. રેલિંગ જે તૂટી ગઈ હતી તેને વ્યવસ્થિત નવી બનાવવાને બદલે માત્ર સિમેન્ટથી કોટિંગ કરી મજબૂતી આપવાનો ડોળ કરવામાં આવી રહ્યો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.

આધુનિક યુગમાં જ્યારે બ્રિજ મરામત માટે નવી ટેકનોલોજી ઉપલબ્ધ છે, ત્યારે અહીં કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત જૂના પુરાણા મશીનો અને સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાધનોની સ્થિતિ પણ ખખડધજ છે, જેના કારણે કામની ગુણવત્તા પર શંકા સેવાઈ રહી છે. એટલું જ નહીં, બ્રિજ પર કામ ચાલતું હોવા છતાં સુરક્ષાના કોઈ ચોક્કસ માપદંડો જળવાયા નથી. બેરિકેડિંગ માટે યોગ્ય બોર્ડ લગાવવાને બદલે માત્ર સિમેન્ટની ખાલી થેલીઓ મૂકીને વાહનચાલકોને સંકેત આપવામાં આવી રહ્યા છે, જે રાત્રિના સમયે જીવલેણ અકસ્માત નોતરી શકે છે. પિલરના સળિયા જે દેખાઈ રહ્યા હતા તેને પણ ઉતાવળે ઢાંકી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ બ્રિજનું કામ માત્ર દેખાડો ન બની રહે અને નક્કર મજબૂતી આપવામાં આવે તે બાબતે ગંભીરતા પૂર્વક ધ્યાન આપવું જોઈએ, જો આમ નહીં થાય તો થોડા સમય માં આ બ્રિજ ગંભીરા બ્રિજ જેવો અકસ્માત થઈ શકે છે.

નવા બ્રિજની તાતી જરૂરિયાત…
ઉમેટા બ્રિજ આશરે 30 થી 35 વર્ષ જૂનો થઈ ગયો છે અને તેની ક્ષમતા હવે પૂરી થવાને આરે છે. વાસદ અને આસપાસના વિસ્તારોમાંથી આવતા ભારે વાહનો માટે આ બ્રિજ મુખ્ય માર્ગ છે. મરામતના નામે માત્ર થીગડા મારવાથી કાયમી ઉકેલ આવવાનો નથી. ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા સરકાર પાસે સતત નવા બ્રિજની માગ કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત નિવારી શકાય.

તંત્રની ઉદાસીનતા અને ભ્રષ્ટાચારની આશંકા…
ઉમેટા બ્રિજ જેવી મહત્વની કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. સ્થળ પર કામ ચાલુ હોવા છતાં કોઈ સરકારી નિરીક્ષક કે સુપરવાઈઝર હાજર જોવા મળતા નથી, જેને કારણે અનેક સવાલો ઉભા થયા છે. તંત્રની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટર મનસ્વી રીતે કામ કરી રહ્યો હોય તેવું જણાય છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આખી બાબત એવી શંકા જન્માવે છે કે, શું કોઈ માનીતા કોન્ટ્રાક્ટરને માત્ર આર્થિક ફાયદો કરાવવા માટે જ આવું નબળું કામ સોંપવામાં આવ્યું છે? ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તપાસ કરે તેવી માંગ ઉઠી છે.