સુરતઃ સુરત જિલ્લાના જમીન માપણી દફતર વિભાગમાં વહીવટી લાપરવાહીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. કચેરીમાં રેકોર્ડ સાચવવા માટે રાખવામાં આવેલા કબાટોના ખાના બગડી જતાં છેલ્લા એક મહિનાથી જમીન માપણીના મહત્વના દસ્તાવેજો આપવાની કામગીરી અટકી પડી છે. જેના કારણે જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાંથી આવતા ખેડૂતો અને અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરત DILR કચેરીમાં વર્ષો જૂના અને વર્તમાન જમીન રેકોર્ડ જે કબાટોમાં રાખવામાં આવ્યા છે, તેની ચેનલો અને લોકીંગ સિસ્ટમ જામ થઈ ગઈ છે અથવા તૂટી ગઈ છે. આ ટેકનિકલ ખામીને કારણે રેકોર્ડની ફાઈલો કાઢવી મુશ્કેલ બની ગઈ છે. સત્તાધીશો દ્વારા આ કબાટોના રિપેરિંગમાં કરવામાં આવતા વિલંબને કારણે સામાન્ય જનતા દંડાઈ રહી છે.
જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, કામરેજ અને બારડોલી જેવા તાલુકાઓમાંથી રોજના સેંકડો લોકો જમીનના નકશા, હદ માપણી કે જૂના રેકોર્ડ લેવા માટે કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ખેતીની જમીનના વેચાણ, બેંક લોન, વારસાઈ એન્ટ્રી અને કોર્ટ કેસ માટે માપણી રેકોર્ડ અનિવાર્ય હોય છે. રેકોર્ડ ન મળતા આ તમામ પ્રક્રિયાઓ અટકી પડી છે.
દૂર-દૂરથી આવતા ખેડૂતોને ભાડાના ખર્ચની સાથે સમયનો પણ બગાડ થઈ રહ્યો છે. કચેરીમાં આવતા અરજદારોને “કબાટ બગડ્યા છે, પછી આવજો” એવો લુખ્ખો જવાબ આપી રવાના કરી દેવામાં આવે છે.
ડિજિટલ ઈન્ડિયા અને પેપરલેસ ગવર્નન્સની વાતો વચ્ચે સુરત જેવી મેટ્રો સિટીની કચેરીમાં માત્ર “કબાટ બગડવા” જેવા મામૂલી કારણસર એક મહિના સુધી કામગીરી બંધ રહે તે તંત્રની ઘોર બેદરકારી ગણાય.
અરજદારો હવે માગ કરી રહ્યા છે કે કબાટોનું તાત્કાલિક રિપેરિંગ કરાવવામાં આવે. જયાં સુધી રિપેરિંગ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી રેકોર્ડ આપવામાં આવે. તમામ રેકોર્ડનું વહેલી તકે ડિજિટાઈઝેશન કરવામાં આવે જેથી આવી સ્થિતિ ફરી ન સર્જાય.
હવે જોવાનું એ રહે છે કે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ક્યારે જાગે છે અને ખેડૂતોની આ મુશ્કેલીનો અંત ક્યારે આવે છે.