સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના યુવા પાંખના મહામંત્રી શ્રવણ જોષી અને તેના સાગરિત સંપત ચૌધરી સામે સસ્તા અનાજના દુકાનદાર પાસેથી હપ્તો લેવાનો ગંભીર ગુનો દાખલ થયો છે. હપ્તો લેતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્ર જલગાંવના કન્હેરે સવખેડાનો વતની અને સુરતના લિંબાયતમાં સંજયનગર સોસાયટીમાં રહેતા નિલેશ મહાદુભાઈ મોરેની ફરિયાદ પર આપના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાગરિત સંપત ચૌધરી વિરુદ્ધ ખંડણી વસૂલવાનો કેસ દાખલ થયો છે.
ફરિયાદીની માતા સિંધુબેન મોરેની લિંબાયતના મારૂતિનગર પાસે શાહપુરા ખાતે રામનગર સોસાયટીના મકાન નં. 66માં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન છે, તે ફરિયાદી નિલેશ પોતે ચલાવે છે. દુકાનમાં રાશનકાર્ડધારક કુટુંબોને સરકાર તરફથી અપાતા રાહત દળના ઘઉં, ચોખા, દાળ, તેલ વિગેરે આપવામાં આવે છે.
ગઈ તા. 13 ઓક્ટોબર 2025ના રોજ સવારે 10 વાગ્યે તેમની દુકાને આમ આદમી પાર્ટીની કાર્યકર તરીકે ઓળખ આપી શ્રવણ જોશી અને તેમના સાગરિત સંપત ચૌધરી આવ્યા હતા. અને તમે દુકાનમાં કાળા બજાર કરો છો, ગ્રાહકને ઓછું અનાજ આપી કાળાબજારમાં વેચો છો, તમારું લાયસન્સ કેન્સલ કરાવી બદનામી કરી દુકાનને તાળાં લગાવી દઈશ એવી ધમકી આપી હતી.
તેઓ મોટે મોટેથી બૂમબરાડા પાડ્યા હતા. પોતે તોલમાપમાં ગેરરીતિ ન કરતા હોવાની સમજાવટ છતા તેઓએ આક્ષેપો કરવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ જતા જતા શ્રવણ જોશીએ કહ્યું હતું કે, દુકાન ચાલુ રાખવી હોય તો મારો માણસ સંપત ચૌધરીને મળજો.
ત્યાર બાદ ફેસબુક પર શ્રવણ જોશીએ ફરિયાદીની દુકાનનો વીડિયો પોસ્ટ કર્યો હતો. બનાવના થોડા દિવસ પછી સંપત ચધરી ફરી આવ્યો હતો અને કહ્યું હતું કે, શ્રવણ જોશીએ મોકલ્યો છે. તમારે દુકાન ચાલુ રાખવી છે કે કેમ?, અને વધુ બે ચાર વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. રેગ્યુલર દુકાન ચાલુ રાખવા દર મહિને 50 હજારનો હપ્તો આપવો પડશે એવી ધમકી આપી હતી.
ત્યાર બાદ શ્રવણ જોશી નવાગામ ડિંડોલી રોડ પર સસ્તા અનાજની દુકાન પર ઉતારેલો વીડિયો ફેસબુક પર ફરી અપલોડ કર્યો હતો. આમ વારંવાર તે વીડિયો મુકી બ્લેકમેઈલ કરતો હતો. ટેલિફોનિક વાતચીતમાં તેણે ધમકી આપી કે મને હપ્તો નહીં આપો તો હું તમને વધુ હેરાન કરીશ. દુકાનને તાળાં મરાવી દઈશ.
આખરે ફરિયાદીએ બદ્રીપ્રસાદ ગણેશજીદ ચંદેલની મધ્યસ્થીમાં સમાધાનની વાત આગળ ધપાવી હતી. તા. 16 ડિસેમ્બર 2025ના રોજ સવારે બદ્રીપ્રસાદ કહ્યું હતું કે, શ્રવણ જોશી અને સંપત ચૌધરીએ 1 લાખ માંગ્યા છે. રાતે સાતેક વાગ્યે પૈસા આપવા જવાનું નક્કી થયું હતું.
બદ્રીપ્રસાદને ન્યુઝપેપરમાં વીંટાળી 1 લાખ આપ્યા હતા, જે રાતે 8 વાગ્યે ગોડાદરા આદર્શ સ્કૂલની સામે સંપત ચૌધરીને આપવાનું નક્કી થયું હતું. સાડા આઠ વાગ્યે સંપત ચૌધરી પોતાની બાઈક પર આવ્યો ત્યારે તેને રૂપિયા આપવામાં આવ્યા હતા, જે બધુ મિત્ર કમલેશ ખટીકના મોબાઈલમાં રેકોર્ડ કરી લેવાયું હતું. રૂપિયા લીધા બાદ સંપત ચૌધરીએ કહ્યું કે, હવે તમારો કોઈ વીડિયો નહીં ઉતારે. અત્યારે એક લાખ લવ છું અને અન્ય વેપારીના પૈસા પણ તૈયાર રાખજો.
સંપત જતો રહ્યો ત્યાર બાદ ફરિયાદીએ આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વિધિવત તપાસ શરૂ કરી છે.
શ્રવણ જોશી સહિત બેની ધરપકડ
આ બનાવમાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં આપના કાર્યકર્તા શ્રવણ જોશી સહિત બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આજે જ બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવનાર છે.