- રિન્યુએબલ એનર્જી, બેટરી સ્ટોરેજ અને નવીન ટેકનોલોજી દ્વારા ગ્રીન ગ્રોથને વેગ
- કૅપ્ટિવ અને થર્ડ પાર્ટી રિન્યુએબલ પ્રોજેક્ટ્સ માટે કમિશનિંગ સમય મર્યાદામાં સુઘારાઓ
- વિન્ડ રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટ માટે પ્રાવધાનો
ગાંધીનગર:
આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષે યોજાયેલ રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્ય મંત્રી દ્વ્રારા રાજય સરકારની ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ કરાયું હતું. ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 ઉર્જા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે.રાજ્યની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નેતૃત્વની પરંપરાને આગળ વધારતાં અને વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખી, ભારતના વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ઇંધણ આધારિત ઊર્જા ક્ષમતાના લક્ષ્યાંકમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 જાહેર કરવામાં આવી રહી છે. 31 ડિસેમ્બર 2030 સુધી અમલમાં રહેતી આ પોલિસી હેઠળ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સને 25 વર્ષ સુધી વિવિધ પ્રોત્સાહનો અને લાભો મળશે. સોલાર, પવન, પવન-સોલાર હાઈબ્રિડ, રૂફટોપ સોલાર, ફ્લોટિંગ સોલાર, કેનાલ આધારિત સોલાર તેમજ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે કે વિના તમામ રિન્યુએબલ પ્રોજેક્ટ્સને પોલિસીમાં આવરી લેવામાં આવ્યા છે. ગ્રિડ સ્ટેબિલિટી અને પીક ડિમાન્ડ મેનેજમેન્ટ માટે BESSને મુખ્ય આધારસ્તંભ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
નવી પોલિસી મુજબ કૅપ્ટિવ ઉપયોગ અને થર્ડ-પાર્ટી સેલ માટે રિન્યુએબલ પ્રોજેક્ટ્સ પર કોઈ ક્ષમતા મર્યાદા રહેશે નહીં. રૂફટોપ સોલાર માટે નેટ મીટરિંગ, ગ્રોસ મીટરિંગ, ગ્રુપ નેટ મીટરિંગ અને વર્ચ્યુઅલ નેટ મીટરિંગ જેવા નવા વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રમાં ફીડર સોલારાઈઝેશન અને એગ્રી-ફોટોવોલ્ટેઇક્સને વિશેષ પ્રોત્સાહન મળશે. પવન-સોલાર હાઈબ્રિડ પ્રોજેક્ટ્સ માટે સ્પષ્ટ ફ્રેમવર્ક સાથે જૂના પ્રોજેક્ટ્સના હાઈબ્રિડાઈઝેશનને પણ મંજૂરી આપવામાં આવી છે. જૂની અને ઓછી ક્ષમતા ધરાવતી પવનચક્કીઓમાંથી ઊર્જા ઉત્પાદન ઓછામાં ઓછું 1.5 ગણી વધારવા રીપાવરિંગ અને લાઈફ એક્સટેન્શન પોલિસી અમલમાં મૂકાઈ છે. 50 મેગાવોટથી વધુ ક્ષમતાવાળા રિન્યુએબલ એનર્જી પાર્ક્સને ખાસ પ્રોત્સાહનો મળશે.
ગ્રીન હાઈડ્રોજન, ટાઈડલ, વેવ અને જીઓથર્મલ જેવી નવી ટેકનોલોજીને પાયલટ પ્રોજેક્ટ્સ અને વાયબિલિટી ગેપ ફંડિંગ (VGF) મારફતે પ્રોત્સાહન આપવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ, આરએન્ડડી, AI આધારિત સ્માર્ટ ગ્રિડ, ગ્રીન જોબ્સ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ ખાસ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે. એનર્જી બેન્કિંગ, વ્હીલિંગ ચાર્જિસ અને સેટલમેન્ટ પ્રક્રિયાઓને GERCના નિયમો મુજબ સરળ બનાવવામાં આવી છે અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ, જમીન ફાળવણી અને ગ્રિડ કનેક્ટિવિટી દ્વારા Ease of Doing Business પર ભાર મૂકવામાં આવ્યો છે.
નવી ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ પોલિસી:
આ સાથે જ રાજ્ય સરકારે ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ પોલિસી પણ જાહેર કરી છે, જે 10 વર્ષ માટે અમલમાં રહેશે, જ્યારે મંજૂર પ્રોજેક્ટ્સને 40 વર્ષ સુધી પ્રોત્સાહન મળશે. 2035 સુધી 75 GWh સ્ટોરેજ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે અને 2027 સુધી 100 પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવાની યોજના છે. ટારિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ અને નોમિનેશન રૂટ મારફતે પ્રોજેક્ટ ફાળવણી થશે. ઇનપુટ રિન્યુએબલ ઊર્જા પર ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં છૂટ, પાણી ચાર્જિસમાં રાહત, સ્પષ્ટ જમીન ફાળવણી નીતિ અને પર્યાવરણ તથા સામાજિક જવાબદારી પર ખાસ ભાર સાથે આ પોલિસી ગુજરાતને દેશના રિન્યુએબલ અને એનર્જી સ્ટોરેજ હબ તરીકે મજબૂત બનાવશે.