લાંબા સમય પછી, હાલમાં જ એક સામજિક પ્રસંગમાં સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગામ બૌધાન જવાનું થયું. આ મુલાકાત અંતરમાં એક નવી જ આશા અને શ્રદ્ધા જગાડી ગઈ. ગામમાં મંદિર જોયા, મસ્જિદો જોઈ, જૈન ઉપાશ્રય જોયું અને બીજું પણ ઘણું બધું જોયું. વિશેષ તો ગામના લોકો જોયા, એમની જીવનશૈલી જોઈ, અજાન સાંભળી, ઘંટારવ પણ સાંભળ્યો, વિવિધ ધર્મના લોકો વચ્ચેનો સાથ અને સહકાર જોયો, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધાને સાથે હસતારમતા વાતો કરતા જોયા… આ બધું ખૂબ સ્પર્શી ગયું.
ગામમાં બધાં ધર્મ અને જાતિના લોકો આટલા પ્રેમથી સાથે મળીને રહેતા જોઈને થયું કે નિરાશ થવા જેવું નથી. આવાં અન્ય ગામો પણ હશે જ કે જ્યાં પ્રેમ અને ભાઈચારો તેની પૂર્ણ કક્ષાએ પ્રવર્તતા હશે અને તેને લીધે જ બધું ટકેલું છે. સોશ્યલ મીડિયા પર પ્રસારિત થતાં અશાંતિ અને દુર્ઘટનાઓના સમાચારોની ભરમાર વચ્ચે કોઈક વખત આવી સુગંધી ઘટનાની નોંધ લેવા જેવી ખરી, અને હા જો શક્ય હોય તો એકાદ વાર બૌધાન જવા જેવું પણ ખરું
નવસારી- ઇન્તેખાબ અનસારી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.