દુર્ગમ વિસ્તારોમાં ગૌ તસ્કરી, પશુ ચોરી અને ગેરકાયદે વાવેતર પર ડ્રોન ‘બાજ નજર’ રાખશે
પ્રતિનિધી ગોધરા તા.03
પંચમહાલ જિલ્લામાં ગુનાખોરી ડામવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ હવે હાઈટેક બની છે. સામાન્ય રીતે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, વ્હીકલ પેટ્રોલિંગ કે હોર્સ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. પરંતુ હવે તેમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. પંચમહાલ રેન્જ આઈ.જી. આર.વી. અંસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સૌપ્રથમવાર ‘અવકાશીય ડ્રોન પેટ્રોલિંગ’ની શરૂઆત કરવામાં આવી છે.

પોલીસ સમક્ષ ઘણીવાર એવો પડકાર આવતો હોય છે કે અંતરિયાળ ગામડાઓ કે કોતરો વાળા વિસ્તારમાં પોલીસ વાહન કે જવાનો સરળતાથી અને ઝડપથી પહોંચી શકતા નથી. આવા સમયે ગુનેગારોને છુપાવવા માટે મોકળું મેદાન મળી જતું હોય છે. આ સમસ્યાના નિવારણ માટે હવે પોલીસે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. જે સ્થળે વાહન જઈ શકતું નથી ત્યાં હવે ડ્રોન મારફતે આકાશમાંથી લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે.

પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં ખેડૂતોના પશુઓની ચોરી ઉપરાંત ગૌ તસ્કરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ નવતર પ્રયોગ ખૂબ ઉપયોગી સાબિત થશે. ઘણીવાર તસ્કરો પોલીસને જોઈને આડા રસ્તે ભાગી છૂટતા હોય છે. પરંતુ હવે રાત્રિના સમયે કે નિર્જન વિસ્તારોમાં આવી શંકાસ્પદ હિલચાલ પર ડ્રોન કેમેરાથી વોચ રાખી શકાશે જેથી ગૌ વંશની ચોરી અને હેરાફેરી પર અંકુશ આવશે.આ ડ્રોન પેટ્રોલિંગનો બીજો મોટો ફાયદો એ થશે કે મોટા અને લાંબા ખેતરોમાં પોલીસ માટે અંદર જઈને તપાસ કરવી મુશ્કેલ હોય છે. ત્યારે હવે ડ્રોનની મદદથી ખેતરની વચ્ચે ગેરકાયદે ગાંજા કે અન્ય નશીલા પદાર્થોનું વાવેતર થયું છે કે કેમ? તે બહાર ઉભા રહીને જ આકાશમાંથી સ્પષ્ટ જોઈ શકાશે.આ સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતા ડ્રોનની વિશેષતા એ છે કે તેને જે લોકેશન પરથી ઉડાડવામાં આવે છે, ત્યાં જ તે પરત ફરે છે. ‘લેન્ડ’નું બટન દબાવતાની સાથે જ તે ચોકસાઈપૂર્વક તેની મૂળ જગ્યાએ ઉતરાણ કરે છે.જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે જાતે ડ્રોન સર્વેલન્સનું નિરીક્ષણ કર્યું હતું અને આ પ્રોજેક્ટથી જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ ઘટશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.