Business

દાવા-દલીલનું સમીકરણ

એમ માની શકાય કે જ્યાં દાવો છે ત્યાં દલીલની આવશ્યકતા છે, કારણ કે દાવો એ વ્યક્તિગત અર્થઘટન, સમજ, મંતવ્ય, નિવેદન કે વિચાર છે. આદર્શ પરિસ્થિતિ મુજબ, અહીં વ્યક્તિ જેને સાચું તથા યોગ્ય માને છે તેની રજૂઆત કરે. તે સમયે, તે સંજોગોમાં, તે વ્યક્તિનું આ નિષ્કર્ષ હોય જેને સ્થાપિત કરવા તે પ્રયત્ન કરે. પોતાનાં આ અભિપ્રાયને સમર્થન મળે તે માટે દલીલ કરવામાં આવે. દલીલ એટલે એ પ્રક્રિયા કે જેમાં સ્વીકૃત કારણ, પ્રમાણ, તર્ક કે વ્યવસ્થા અનુસાર દાવાને યોગ્ય ઠહેરાવવાનો પ્રયત્ન થાય. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે અમુક રીતે હાનિકારક છે, આ દાવો થયો. કારણ કે સ્ક્રીનમાંથી નીકળતાં કિરણો આંખના ચોક્કસ કોષોને નુકસાન પહોંચાડી શકે, જે માનસિક તેમજ શારીરિક ક્ષમતાને પણ અસર કરી શકે, આ દલીલ કહેવાય. દાવો એ દર્શાવે કે શું કહેવામાં આવ્યું છે અને દલીલ એમ કહે કે તે શા માટે સાચું છે. દાવો વિધાન સ્વરૂપે હોય જ્યારે દલીલ સ્વીકૃત તર્ક આધારિત ઘટના છે. કેટલાંક સંજોગોમાં દલીલ નબળી હોય તો દાવો સાચો હોય તો પણ અસ્વીકૃત થઈ જાય અને જો દલીલ સશક્ત હોય તો ખોટો દાવો પણ સ્વીકાર્ય બને. કોર્ટ-કચેરીમાં આમ થતું પણ હોય છે. 


જ્યારે યોગ્ય પુરાવા વગર દાવો કરવામાં આવે, દાવાનો આધાર ખોટી કે અધૂરી માહિતી હોય, દાવો પ્રસ્તુત કરવા પાછળ વ્યક્તિગત સ્વાર્થ હોય, દાવો ભાવનાત્મક આવેગને આધારિત કરાતો હોય કે દાવો આકસ્મિક રીતે પ્રસ્તુત થઈ ગયો હોય તો તેનું ખંડન જરૂરી છે. પરંતુ આ ખંડન માટે દાવો કરનાર નહીં પરંતુ દાવાનો અસ્વીકાર કરનાર વ્યક્તિએ તે મુજબની દલીલ કરવી પડે. દલીલ હંમેશા દાવાને સાબિત કરવા માટે નહીં પરંતુ દાવાનું ખંડન કરવા માટે પણ જરૂરી બને. દલીલ માટે સામાન્ય રીતે, સનાતની દર્શનમાં જણાવ્યા અનુસાર, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન કે શબ્દ પર આધાર રાખવામાં આવે. પ્રત્યક્ષ એટલે પરિસ્થિતિને સામે લાવી દેવી. અનુમાન એટલે અનુભવને આધારે એક ઘટનાના પરિણામ અનુસાર અન્ય ઘટનાની સંભાવના સ્વીકારી લેવી. ઉપમાનમાં બે સમાન બાબતો વચ્ચેની સામ્યતા આધારિત દલીલ થતી હોય. શબ્દમાં સ્થાપિત સિદ્ધાંત કે વિદ્વાનના અભિપ્રાયનો સંદર્ભ લેવામાં આવે. 
કોર્ટ-કચેરીમાં તો દલીલની આવશ્યકતા હોય જ, કારણ કે અહીં બે સાવ વિપરીત કહી શકાય તેવાં દાવા કરવામાં આવે. પછી દરેક પક્ષ પોતાની દલીલ પ્રસ્તુત કરી પોતાનો દાવો સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે. એ સિવાય સમાજના અન્ય દરેક ક્ષેત્રમાં દાવા-દલીલનું એક ‘હકારાત્મક’ સ્થાન હોય છે તેમ માની શકાય. વિજ્ઞાન, આર્થિક બાબતો, સમાજશાસ્ત્ર અને દરેક ક્ષેત્રમાં જે પણ સ્થાપિત કરવામાં આવે તેની સાથે એક વ્યવસ્થિત દલીલ એટલે કે તર્ક પ્રસ્તુત કરાતો હોય છે. આ દલીલને આધારે જ જે તે સિદ્ધાંત કે નિયમની સ્વીકૃતિ થાય. જીવનનાં દરેક ક્ષેત્રમાં દાવા-દલીલનું સ્થાન છે. સનાતની સંસ્કૃતિના પ્રત્યેક દર્શનમાં દાવા-દલીલની એક એક ભવ્ય શૃંખલા જોવાં મળશે. સનાતની સંસ્કૃતિના શાસ્ત્રોમાં દર્શાવાયેલ પ્રશ્નોત્તરીમાં પણ દાવા-દલીલનું મહત્ત્વ છે. 
બે પ્રકારની પરિસ્થિતિ સંભવ છે. પ્રથમ, વ્યવસ્થિત રીતે પ્રત્યેક સંભાવના વિશે તટસ્થતાથી, તર્કબદ્ધ રીતે વિચાર કર્યાં પછી દાવો કરવામાં આવે અને પછી તે માટેની દલીલ કરાય. બીજી, પહેલાં અનુકૂળતા મુજબનો કે સ્વાર્થ આધારિત દાવો કરી દેવાય અને પછી તેને યેનકેન પ્રકારેણ તેને સાબિત કરવાનો પ્રયાસ થાય. પહેલાં પ્રકારનાં કિસ્સામાં દાવાની સ્વીકૃતિ સરળ બની શકે જ્યારે બીજા પ્રકારના કિસ્સામાં સામેવાળી વ્યક્તિએ વધુ જાગ્રત, તર્કબદ્ધ, વિચારશીલ અને ભાષાજ્ઞ રહેવું પડે. સમાજમાં આ બંને સ્થિતિ પ્રવર્તમાન છે. સામાજિક તેમજ વ્યક્તિગત વર્તુળમાં બૌદ્ધિકતાને આધારે દાવા-દલીલનું વર્તાતું મહત્વ કહેવતોમાં પણ વ્યક્ત થાય છે. જ્યારે એમ કહેવામાં આવે કે ‘બોલવાથી વાત ન બને, દલીલથી સાચું સાબિત થાય’ કે ‘બોલ વજનદાર ત્યારે જ બને જ્યારે તર્ક હોય’ ત્યારે સત્ય આધારિત દલીલનું મહત્ત્વ સ્થાપિત થાય. પ્રતિકાત્મક રીતે એમ કહી શકાય કે ‘ખાલી દાવો હવામાં ઉડે, દલીલ તેને જમીન આપે’. ‘તર્ક વિનાની દલીલ તકરાર છે’ અથવા ‘જ્યાં સાર્થક દલીલ નથી ત્યાં વિવાદ છે’ જેવાં વિધાન દાવા અને દલીલ વચ્ચેનું સમીકરણ દર્શાવે છે. 
વાદ, વિવાદ, સંવાદ કે વિખવાદ, આ બધાં જ વિશેષ પ્રકારનો શાબ્દિક વ્યવહાર છે. વાદ એટલે માત્ર શબ્દોની આપ-લે, અહીં નથી હોતો કોઈ વિરોધ કે નથી હોતી કોઈ માન્યતા. જ્યારે વાદમાં મતભેદનો પ્રવેશ થાય ત્યારે તે વિવાદ બને. આ વિવાદ જ્યારે ઘર્ષણ સુધી પહોંચી જાય ત્યારે તે વિખવાદનું સ્વરૂપ ધારણ કરે. પરસ્પરની શાબ્દિક આપ-લેમાં સમરસતા, સાતત્યતા કે એક જ પ્રકારની પરસ્પરની સકારાત્મક સ્વીકૃતિ હોય તો તે સંવાદ બને. દલીલ એટલે વિવાદ. અહીં મંતવ્યમાં મતભેદ હોય, તેથી પોતાનાં અભિપ્રાયને સ્થાપિત કરવા અને સામેની વ્યક્તિના મંતવ્યનું ખંડન કરવા વિવાદ આવશ્યક બને. દલીલમાં ઉગ્રતા આવી જાય તો તે ઘર્ષણનું સ્વરૂપ પણ ધારણ કરી લે. પ્રશ્ન ત્યારે ઉભાં થાય જ્યારે સક્ષમ દલીલબાજ પોતાની તે ક્ષમતાથી ખોટા દાવાને સત્ય સાબિત કરી દે. 
અગાઉ કહ્યું તેમ, જ્યાં દાવો છે ત્યાં દલીલની આવશ્યકતા છે. પ્રશ્ન એ થાય કે શું સત્ય પણ એક દાવો છે અને તેની માટે શું દલીલ આવશ્યક છે. શાસ્ત્રો તો એમ કહે છે કે સત્ય તો સ્વયં-આધારિત, સ્વયં-પ્રકાશિત, સ્વયં-પ્રત્યક્ષ અને સ્વયં-સિદ્ધ બાબત છે. તેને દલીલની આવશ્યકતા ન હોય. જે વ્યક્તિ તટસ્થતાથી વિચારી શકે, કોઈપણ પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત હોય, જાતે વાસ્તવિકતા સમજવા સક્ષમ હોય, કોઈપણ પ્રકારનાં દબાણ કે ભયથી મુક્ત હોય અને સાત્વિક વૃદ્ધિ ધરાવનાર હોય તેનાં દાવા માટે – સત્ય માટે દલીલની આવશ્યકતા ન હોય. • હેમુ ભીખુ
   

Most Popular

To Top