
સસ્તા અનાજની દુકાન
ખાટાઆંબા ગામે પંડિત દીનદયાળ ભંડાર સસ્તા અનાજની દુકાન આવેલી છે. જ્યાંથી ખાટાઆંબા ગામના રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા ખૂબ જ સસ્તા ભાવે સરકારી અનાજ આપવામાં આવે છે.

આશરે 200 વર્ષ જૂનું વરુણદેવનું સ્થાનક

ખાટાઆંબા ગામે નદી તટે વરૂણદેવનું સ્થાનક આવેલું છે. આ વરુણદેવની સ્થાપના આશરે 200 વર્ષ પહેલાં કરવામાં આવી હોવાનું ગામના વડલાઓ પાસેથી જાણવા મળ્યું હતું. આ સ્થાનક પાસે દર પાંચ વર્ષે ગ્રામજનો ભેગા થઈ ફાળો એકત્રિત કરી પૂરી રાત વરસાદને લગતાં ગીતો ગાઈ પૂજા-અર્ચના કરતા હોય છે. જે પૂજા રાત્રે શરૂ કરી સવાર સુધી ચાલે છે અને સવારે પ્રસાદી લઇ લોકો છૂટા પડતા હોય છે. આમ આ પૂજા-અર્ચના કરવાથી સારો વરસાદ પડે છે અને લોકો વધુ સારી ખેતી કરી શકે છે, એવી ગ્રામજનોની આ વરુણદેવના સ્થાનક સાથે અખૂટ શ્રદ્ધા જોડાયેલી જોવા મળે છે. અહીં વર્ષમાં ત્રણથી ચારવાર સ્થાનિકો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે.
નિવૃત્ત શિક્ષક અને સરપંચ શુક્કરભાઈ જનસેવા માટે અગ્રેસર

ખાટાઆંબા ગામના શિક્ષિત સરપંચ શુક્કરભાઇ સૌપ્રથમ 1983માં સુરત જિલ્લાના માંગરોળના હરિપુરા ખાતે શિક્ષક તરીકે નોકરીએ જોડાયા હતા. બાદ વલસાડ જિલ્લાના ધરમપુર ગામે ગુંદિયા ખાતે ફરજ બજાવી 1997માં પોતાના ગામ ખાટાઆંબા ગામે નિશાળ ફળિયાની પ્રાથમિક શાળામાં બદલી થતાં ગામમાં જ શિક્ષક તરીકેની ફરજ બજાવી 2016માં નિવૃત્ત થયા હતા. શુક્કરભાઇ નોકરી દરમિયાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતા વ્યક્ત કરી હંમેશાં બાળકોના ભણતર પર ભાર આપતા હતા. સ્થાનિક વાલીઓ પાસેથી જાણવા મુજબ જે બાળક શાળાએ ન આવી ગેરહાજર રહેતા હોય શુક્કરભાઇ તેવા વિદ્યાર્થીઓના ઘરે જઈ તેમના વાલીઓને સમજાવી બાળકને શાળાએ અભ્યાસ માટે પોતાની સાથે લઇ આવતાં તેમજ ગરીબ વર્ગના વાલીઓ જેઓ ગામ છોડી શહેર તરફ ધંધા-રોજગાર માટે જવાનું મન મનાવતા તેઓને પણ સમજાવી ગામમાં જ રોજગાર-ધંધા કરી તેમનાં બાળકોના ભવિષ્ય માટે સારી સમજ આપતા હતા. તે સમયમાં ઘણા એવા લોકોને ગામમાજ પગભર પણ કર્યા છે. ત્યારબાદ 2022માં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ગ્રામજનોએ નિવૃત્ત થઈ ચૂકેલા શુક્કરભાઇને સરપંચ તરીકે ચૂંટી લાવી ગામના વિકાસની દોર તેમના હાથમાં સોંપી હતી. ગામમાં જ શિક્ષક તરીકેની ફરજ બજાવી ચૂક્યા હોય અને સરકારી યોજનાઓથી પણ સારી રીતે માહિતગાર હોવાથી ગામના વિકાસ માટે સતત સરકાર તરફથી મળતી સહાય અને યોજના માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે.
બ્રાંચ પોસ્ટ માસ્ટર દિનેશભાઈ પઢેર

ખાટાઆંબા ગામના વતની અને શિક્ષિત એવા દિનેશભાઈ પઢેર હાલ ગામમાં જ બ્રાંચ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દિનેશભાઈ 1996થી ભારતીય પોસ્ટ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે, સાથે સાથે તેઓ ગામના આગેવાન હોવાથી લોકોના હરેક સુખ દુઃખના પ્રસંગોમાં પણ હાજર રહેતા હોય છે. તેમજ ખાટાઆંબા ગામના કેટલાક ખેડૂતો કે જેઓને સરકારી સહાય યોજના હોય કે પછી કોઈ અન્ય બાબતોમાં તેઓમાં સમજણનો અભાવ જોવા મળતાં તેઓ દિનેશભાઈ સાથે સંપર્ક કરી સલાહ સૂચન લેતા હોય છે.
નવજીવન કેળવણીમંડળ સંચાલિત આશ્રમશાળા તથા માધ્યમિક શાળા

ખાટાઆંબા ગામે નવજીવન કેળવણીમંડળ સંચાલિત આશ્રમશાળા તથા માધ્યમિક શાળા આવેલી છે. આશ્રમશાળાની શરૂઆત જૂન-2001માં થઈ હતી. જ્યારે માધ્યમિક શાળાની મંજૂરી 2009માં આપવામાં આવી હતી. શાળા ઊભી કરવામાં સ્વ. પૂર્વ સાંસદ મણીભાઈ આર.ચૌધરીનો ફાળો રહ્યો છે. આ શાળા ખાતે 1થી 10 ધોરણમાં વિદ્યાર્થીઓ આશ્રમશાળામાં રહી અભ્યાસ કરે છે. ગુજરાત સરકાર આદિજાતી વિભાગ ગાંધીનગર તરફથી ગ્રાન્ટેડ આશ્રમશાળા ચાલી રહી છે. શાળાનાં તમામ બાળકોને રહેવા, જમવા અને અભ્યાસની ખૂબ જ સુંદર વ્યવસ્થા વિનામૂલ્ય પૂરી પાડવામાં આવે છે. શાળામાં ધોરણ-1થી 8માં આચાર્ય તરીકે શાંતિલાલ ભુસારા તથા ત્રણ અન્ય શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. ધોરણ-9થી 10માં માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે વિમલકુમાર ગજબસિંહ પરમાર ફરજ બજાવી રહ્યા છે. શાળામાં ધોરણ-9 અને 10ના વર્ગો ચલાવવા વર્ષ-2009માં સરકાર તરફથી ગ્રાન્ટેડ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આજસુધી એકપણ કાયમી શિક્ષક નથી કે નથી અન્ય કોઈપણ સરકાર તરફથી વૈકલ્પિક વ્યવસ્થા. તેમ છતાં શાળાના વિદ્યાર્થીઓના હિત માટે મંડળ વૈકલ્પિક વ્યવસ્થા થકી ધોરણ-10નું 60%થી વધુ પરિણામ લાવવામાં સફળ રહ્યું છે. જ્યારે 2024માં શાળાએ ધો.10નું 82% જેટલું પરિણામ મેળવ્યું હતું. મંડળના પ્રમુખ મણીલાલ જીવાભાઈ પટેલ, મંત્રી લાલજીભાઈ એમ. પવાર તથા અન્ય ટ્રસ્ટીઓ મંડળનું સફળ સંચાલન કરી રહ્યા છે. તેમજ સંસ્થાના વિકાસમાં નડિયાદના ડૉ.હિરુકાકા, ડૉ.કીર્તિભાઈ વૈધ અને અન્ય દાતાઓએ પાયાની સુવિધા પૂરી પાડી મોટો સહયોગ આપ્યો છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
ખાટાઆંબા ગામમાં આંબાનાપાડા ખાતે સાત હજાર જેટલા લોકો માટે એક સુવિધાયુક્ત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જેમાં ખાટાઆંબા ગામમાં રહેતા લોકોને નાની-મોટી બીમારીના સમયે ખૂબ જ સારી સારવાર મળી રહે છે. તેમજ ગામની સગર્ભાઓને પણ અહીં તપાસ કરી ડિલિવરીની પણ સુવિધા મળી રહે છે. જ્યારે દર્દીને વધુ સારવારની જરૂરિયાત જણાય તો વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે. વાંસદાથી ખાટાઆંબા જતો મુખ્ય રોડ ખૂબ જ સારી સુવિધાવાળો બની જતા લોકોને પહેલા 30 મિનિટ જેટલો સમય લાગતો હતો, એ હવે માત્ર 15 મિનિટમાં જ પહોંચી શકાય છે. તેમજ ખાટાઆંબા આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરિયાત જણાતાં દર્દીને એડમિટ કરવાની પણ સુવિધા ઉપલબ્ધ થતાં ગરીબ પરિવારના લોકોને ગામમાં જ સારી સારવાર મળી રહે છે. તથા ખાટાઆંબા ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે જૂજ, ખડકિયા નવાનગર સહિત કુલ પાંચ ગામના લોકોને સારવાર મળી રહે છે.
હાટ બજાર થકી રોજગાર
વાંસદાથી ખાટાઆંબા ગામ તરફ જતા ખાટાઆંબા ગામની શરૂઆતમાં જ મેઇન રોડની બાજુમાં આવેલા મેદાન ખાતે દર સોમવારે હાટ બજાર ભરાતો હોય છે, જેમાં ગ્રામજનો સહિત આજુબાજુના ગ્રામજનો પોતાની શાકભાજી તેમજ અન્ય વેપારીઓ પોતાની દુકાન અને સ્ટોલો લગાવી ધંધો કરતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં ભરાતા આવા હાટ બજારો સાંજના સમયે ભરાતા હોય છે, જે રાત્રે આશરે 9થી 10 વાગ્યા સુધી ચાલુ રહે છે. આ દરમિયાન ગ્રામજનોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા ભારે ભીડ જોવા મળતી હોય છે અને ગ્રામ્ય વિસ્તારમાં ભરાતા બજારમાં શાકભાજી અને અન્ય કેટલીક વસ્તુઓ બજાર કરતા સસ્તા ભાવમાં મળી રહેતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાટ બજાર થકી ગ્રામ પંચાયતને પણ સારી એવી આવક થતી હોય છે.