માનવીના જીવનમાં શ્રેષ્ઠ પાડોશી પ્રાપ્ત થવા એ અતિ સદ્ભાગ્યની પ્રાપ્તિ કહેવાય. ‘‘ પહેલો સગો પડોશી ’’ એ ઉક્તિ વડીલો દ્વારા અવશ્ય કહેવાતી અને એ વાત સાચી પણ એટલી જ છે. અડધી રાત્રે કંઈ પણ જરૂરિયાત ઉપસ્થિત થાય તો પહેલાં તો પડોશીઓ જ મદદે આવી શકે અને એ વ્યવહાર સદાય દ્વિપક્ષીય જ હોય. ‘‘ રાખ તેવા રખોપા ’’. પડોશીઓ વચ્ચે વાડકી વ્યવહાર પણ સર્વવિદિત છે જ. સારા – માઠા પ્રસંગે એકમેકને મદદરૂપ પણ પડોશી સાથે સંબંધ વણસી જતા હોય છે પણ ક્ષમાશીલતા અને સમજણનો સેતુ સંબંધને ટકાવી રાખવામાં મદદગાર નિવડી શકે. આજુ-બાજુ સામે પ્રત્યેક પરિવારને એકમેકની હૂંફ અને જરૂરિયાત હોય જ છે.
ગૃહિણીઓને વધુ પડોશીની જરૂર રહેતી હોય છે. આપણી ગેરહાજરી સમયે પણ આવનાર અતિથિનો યોગ્ય સત્કાર આપણા પડોશી થકી જ થતો હોય છે. એટલે એ ફરજ બંને પક્ષે નિભાવવાની હોય છે. ક્યારેક કુરિયર સ્વીકારવાનું હોય. ક્યારેક નાનાં બાળકોની તકરારમાં મોટેરાંઓને દુ:ખ થતું હોય પણ એ જ બાળકો સાથે હળીમળીને રમતાં જણાય ત્યારે મોટેરાંઓ મનોમન ??? અનુભવી શકે ! હજુ પણ ગૃહિણીઓ સારી વાનગી બનાવી હોય તો ‘‘ બાજુમાં ’’ અવશ્ય પહોંચાડતી હોય છે. એને અરસપરસનો મીઠો સંબંધ કહી શકાય. એક આડ વાત. ભારત પડોશી દેશો બાબતે કદાચિત્ વધુ નસીબદાર નથી. જેના વિકાસમાં ફાળો આપ્યો હોય, જે ભારત દેશનો જ એક ભૂતકાળમાં ભાગ હોય એવા દેશો ભારતની સામે માથું ઊંચકી હેરાન-પરેશાન કરે છે!
રાંદેર રોડ, સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.