ભારતમાં રસીકરણ માટે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકાની કોવિડ-૧૯ વિરોધી રસી કોવિશિલ્ડની રસીકરણ પછીની આડઅસરોની સઘન સમીક્ષા હાથ ધરવાનો ભારત સરકારે નિર્ણય કર્યો છે. આ રસીના ઉપયોગને કારણે લોહી ગંઠાઇ જવાની સમસ્યાઓ કેટલાકને કથિત રીતે થયા બાદ યુરોપના કેટલાક દેશોએ આ રસીનો ઉપયોગ અટકાવી દીધો છે તેના પછી ભારત સરકારે આ નિર્ણય લીધો છે, જો કે ભારતમાં અત્યાર સુધી આવી કોઇ સમસ્યાના અહેવાલ મળ્યા નથી.
જેમને રસી અપાઇ હતી તેમાંના કેટલાકને લોહીમાં ગઠ્ઠાઓ બાઝવાના છૂટાછવાયા કેસો બન્યા પછી ડેન્માર્ક, નોર્વે અને આઇસલેન્ડે ઓકસ્ફર્ડ-અસ્ટ્રાઝેનેકાની કોરોનાવાયરસ રસીનો ઉપયોગ પૂર્વસાવચેતીના પગલા તરીકે હાલ અટકાવી દીધો છે. ભારતમાં ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકાની કોવિડ-૧૯ રસીની સ્થાનિક આવૃતિને કોવિશિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. જથ્થાની દષ્ટિએ વિશ્વમાં સૌથી મોટા રસી નિર્માતા એવા સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ ભારતમાં આ રસીનું ઉત્પાદન કરવા માટે અસ્ટ્રાઝેનેકા સાથે હાથ મેળવ્યા છે. તે આ રસીના ૧ અબજ ડોઝનું ઉત્પાદન કરવા માગે છે.
અમે તમામ વિપરીત અસરોનો અભ્યાસ કરી રહ્યા છીએ, ખાસ કરીને મૃત્યુ અને હોસ્પિટલાઇઝેશન જેવી ગંભીર આડઅસરોની તપાસ કરી રહ્યા છીએ. જો અમને કંઇપણ ચિંતાજનક જણાશે તો અમે (રસીના ઉપયોગ)માં પીછેહટ કરીશું એ મુજબ કોવિડ-૧૯ અંગેના ભારતના નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય એન.કે. અરોડાએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું. અરોડાએ જણાવ્યું હતું કે ભારતમાં ચિંતાનો તત્કાળ કોઇ મુદ્દો નથી કારણ કે અહીં આડઅસરની ઘટનાઓનો આંકડો ખૂબ જ ઓછો છે.
અમે જો કોઇ આડઅસર સર્જાય તો એ જોવા તપાસ કરીશું કે લોહી ગંઠાવાની કોઇ સમસ્યા સર્જાય છે કે કેમ? એમ તેમણે કહ્યું હતું. ગઇકાલે પ૯થી ૬૦ મૃત્યુ થયા હતા અને તે બધા યોગાનુયોગ હતા એમ મુજબ તેમણે કહેવા સાથે જણાવ્યું હતું કે અમારા તરફી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે એક વાર તપાસ પુરી થઇ જાય તો તેના પરિણામો જાહેર જનતા સમક્ષ, આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર મૂકવા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે રસીકરણ માટે ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન રસીને મંજૂરી આપી છે.