SURAT

ભાજપના કાપોદ્રા વોર્ડના કોર્પોરેટર અને બક્ષી પંચ મોરચા પ્રમુખ બાખડયા

સુરત: શિસ્તબદ્ધ મનાતા ભાજપમાં છેલ્લા થોડા સમયથી વધી રહેલું કાર્યકરો અને કોર્પોરેટરો તેમજ હોદ્દેદારો વચ્ચેનું ઘર્ષણ સૂચક છે. અગાઉ શહેર કાર્યાલય પર ભાજપના બે કોર્પોરેટર વચ્ચે હુંસા-તુંસી થતા લોકજોણું થયું હતું. તો એક મહિના પહેલા ભાજપ કાર્યાલય પર ખજાનચી શૈલેષ જરીવાલાના વર્તનથી અકળાયેલા વરાછા વિસ્તારના કાર્યકરોએ લાફાવાળી કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ થઇ હતી. જો કે આમ છતા કાર્યકરો અને નેતાઓ વચ્ચેનું ઘર્ષણ અટકતું નથી. હવે આ લડાઇ રસ્તા પર પહોંચી છે.

  • ભાજપના કાર્યકરો અને નેતાઓ વચ્ચે ઘર્ષણ રસ્તા પર આવ્યું
  • મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો, સમાધાન કરાવાયું છતાં પક્ષમાં ઉચાટ વધ્યો
  • ખજાનચી શૈલેષ જરીવાલાને કાર્યાલયમાં જ કાર્યકરે લાફા ચોડી દીધાની ઘટનાના દોઢ માસમાં બીજી ઘટના

કાપોદ્રા વિસ્તારમાં રવિવારે મતદાર સુધારણા યાદી કાર્યક્રમ દરમિયાન વોર્ડના એક મોરચાના હોદ્દેદાર અને પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા કોર્પોરેટર વચ્ચે જાહેરમાં એક ઉદ્યોગપતિ દ્વારા કન્યા કેળવણી માટેના ફોર્મ વિતરણ મુદ્દે બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતા ભાજપની શિસ્તના લીરેલીરા ઉડ્યા હતા.

કાર્યાલય પર બે કોર્પોરેટરો વચ્ચે ગાળાગાળી અને ત્યારબાદ શહેર ભાજપના ખજાનચી શૈલેષ જરીવાલાને એક કાર્યકર દ્વારા લાફા ઝીંકાયા બાદ ફરી એકવાર કોર્પોરેટર અને ભાજપના વોર્ડ મોરચાના પ્રમુખ વચ્ચે જાહેરમાં ઝપાઝપી થતા ભાજપની શિસ્ત બાબતે સવાલો ઉઠયા છે. આ બંને વચ્ચે બબાલ વધતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં સમાધાન કરાવી દેવાયું હતું, પરંતુ આ બબાલમાં મતદાર સુધારણા માટે બેસેલા બીએલઓ ગભરાઇને કામ પડતું મુકી રવાના થઇ ગયા હતા.

Most Popular

To Top