શિક્ષણ એ એક ખૂબ જ ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે. યુગોથી માનવજાતે શિક્ષણનું મહત્વ સ્વીકાર્યું છે. સભ્ય સમાજની એ અનોખી જરૂરિયાત છે. શિક્ષણ એ માનવતા સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે. કેળવણી અંધકારમાંથી માનવને જ્ઞાનપ્રકાશ તરફ ગમન કરવા પ્રેરે છે. કેળવણી જ માનવીમાં રહેલાં ઉત્તમાંશોનું આવિષ્કરણ કરી નરને નારાયણ અને નારીને નારાયણી બનાવે છે આથી જ કેળવણી એ સંસ્કાર શિલ્પ છે. કેળવણી માટે વપરાતા બે શબ્દોમાં એક શબ્દ છે.
‘વિદ્યા’. વિદ્યા શબ્દ સંસ્કૃત ધાતુ ‘વિદ’ માંથી ઉત્પન થયો છે. વિદ એટલે ‘જાણવું’ ‘વિદ્યા’ એ જ્ઞાનની પ્રાપ્તિ છે. બીજો શબ્દ ‘શિક્ષણ’ સંસ્કૃત ધાતુ ‘શસ્’ માંથી ઉત્પન થયો છે. જેનો અર્થ થાય છે અનુશાસનમાં રહેવું. બીજા શબ્દોમાં કહીએ તો ‘શિક્ષણ’ એટલે જ ‘માનસિક સેતુલન’ અથવા ‘મનને શિસ્તબધ્ધ બનાવવું તે શિક્ષણ માટે અંગ્રેજીમાં ‘Education’ શબ્દ વપરાય છે.
અંગ્રેજી શબ્દ Education લેટિન શબ્દ Educare માંથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ કેળવણી આપવી, ઉછેરવું, સવર્ધન કરવું, ઉગાડવું, પેદા કરવું, ઉછેરવું થાય છે. જોકે આજના યુગમાં શિક્ષણ માત્ર પરીક્ષાલક્ષી અને પુસ્તકિયું બની ગયું છે ત્યારે શિક્ષણ-કેળવણી આ બધા રેતુ સિધ્ધિ કરે છે કે નહિ કે એ વિચાર માંગી લે છે. શિક્ષણનો અંતિમ ધ્યેય તો બાળકોના સર્વાંગી વિકાસ કરી તેને એક સંસ્કારી અને જવાબદાર, ઉત્તમ નાગરિક બનાવવાનું છે.
જે હોયતે શિક્ષણ થકી વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની કાયાપલટ થઈ જ છે. શિક્ષણ સાચા અર્થમાં આજે વ્યક્તિની ત્રીજી આંખ છે. એમ કહેવું ખોટું નથી. આમ, શિક્ષણનું મહત્વ અનન્ય છે. દરેક વ્યક્તિએ શિક્ષણ કેળવવુ ખૂબ જ જરૂરી છે. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે ‘શિક્ષણ’.
અમરોલી -આરતી જે. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.