વડોદરા : છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામ પાધરમાં આવેલું હાંફેશ્વર શિવાલય ઋષિ કલ્હન્સના તપ થી સાંપડેલું શીવધામ છે. આજે અતિ પવિત્ર શિવ મહિમા પર્વ ગણાતી મહા શિવરાત્રી છે ત્યારે ગુજરાતના બે શિવ તીર્થોનો પરિચય મેળવવા જેવો છે. ગુજરાતની સુરક્ષા કરતી શિવ ચોકીઓ જેવા આ તીર્થો પૈકી એક ગુજરાતનું પૂર્વીય પ્રવેશ દ્વાર ગણાતા દાહોદ થી સાવ અડીને આવેલું બાવકાનું પ્રાચીન શિવ મંદિર છે તો બીજું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા મથક થી લગભગ 17 કિલોમીટર ના અંતરે,પૂર્વ દક્ષિણ સરહદી ત્રિભેટે,ઋષિ કલ્હંસ ની તપોભૂમિ નું હાંફેશ્વર શિવ મંદિર છે.
શિલ્પ અને સ્થાપત્યની બેનમૂન ધરોહર જેવું બાવકાનું શિવ મંદિર રાષ્ટ્રીય અગત્યના સ્મારકમાં સ્થાન પામ્યું છે અને તેના પત્થરો પર કંડારવામાં આવેલા યુગલ શિલ્પો ને લીધે ગુજરાતના ખજુરાહો તરીકે ઓળખાય છે.
આ એક શિવ પંચાયતન પ્રકારનું શિવાલય છે . અવશેષો જોતાં જણાય છે વચ્ચેના મુખ્ય મંદિર ના ચારેય ખૂણે ચાર મંદિર હતાં જે હવે લગભગ નામશેષ થઈ ગયાં છે. એક શ્રધ્ધા કથા પ્રમાણે ભગવાન કામદેવે આ મંદિર નું નિર્માણ શરૂ કરાવ્યા પછી બાંધકામ અર્ધું છોડી દીધું હતું. ઐતિહાસિક આધારો અનુસાર છેલ્લા ચૌલુકય સમ્રાટ ભીમ દ્વિતીય દ્વારા ઇસ્વીસન 1178 – 1240 દરમિયાન આ શિવાલય બંધાવ્યું હતું જે હવે તત્કાલીન શિલ્પ અને નિર્માણ કુશળતા ની અમૂલ્ય ધરોહર સમાન છે.
દૂરથી જોતાં ઊંચી ટેકરી પર ઉભેલું આ શીવધામ, જટાળા જોગી મહાદેવ એમની જટાઓ છોડીને ગંગા અવતરણ ને ઝીલવા ઉન્નત મસ્તકે ઊભા હોય એવો અહેસાસ થાય છે. દાહોદ જિલ્લા પ્રશાસને હાલમાં આ મંદિરની બાજુમાં વન ઉછેરીને તેને વધુ હરિત રમણીયતા આપવાનો પ્રયાસ આદર્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વર ની વાત કરીએ તો આ જગ્યા ગુજરાત,મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ની સરહદો નો ત્રિભેટો છે. માં નર્મદાને સરદાર સરોવર રૂપે લહેરાવા અને કચ્છ – રાજસ્થાન સુધી ટહેલવાની સગવડ કરી આપવા જાણે કે શિવ પિતાએ જગ્યા છોડીને ખસી જવાનું સ્વીકાર્યું હોય તેમ મૂળ પ્રાચીન મંદિર હાલ ડુબાણમાં ગયું છે.લોક કલ્યાણ માટે ભગવાન સ્થળાંતરીત થયાં હોય એવી આ ઘટના છે.
હાલ સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી દ્વારા નજીકના પાધર ગામે સોમનાથ શૈલીનું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે જ્યાં કલ્હન્સ ઋષિના આરાધ્ય હંસેશ્વર દાદા બિરાજમાન થયાં છે.યાદ રહે કે આ વિસ્તાર એ ઋષિ ની તપોભૂમિ છે અને ભીમ પત્ની હિડિંબા ના વન તરીકે લોક વાયકાઓ માં જાણીતી છે.
અમર અશ્વત્થામા આ વિસ્તારમાં હજુ વિચરણ કરે છે તેવી શ્રધ્ધા છે.અહી રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. હંસેશ્વર નું લોકબોલી માં હાંફેશ્વર અપભ્રંશ થયું.બીજો મત એ પણ છે કે જ્યારે રસ્તાની સુવિધા ન હતી ત્યારે આ દુર્ગમ સ્થળે પહોંચતા હાંફ ચઢી જતો એટલે આવું નામ પડ્યું. આ જગ્યાએ આદિવાસી સમુદાયની ઉદ્યોગ સાહસિકતા નો ઉજ્જવળ પુરાવો જોવા મળે છે.