સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા.30 અને 31 ઓક્ટોબરે વડોદરા જિલ્લાના કેવડિયા (એકતા નગર)ની મુલાકાત લેશે. આ બે દિવસ દરમિયાન વડા પ્રધાન મોદી અનેક નવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી આજ રોજ તા. 30 ઓક્ટોબર ગુરુવારે સાંજે 5 વાગ્યે વડોદરા પહોંચશે અને ત્યારબાદ કેવડિયા માટે રવાના થશે. સાંજે 5:15 વાગ્યે તેઓ કેવડિયામાં ઈ-બસોને લીલી ઝંડી આપશે અને સાંજે 6:30 વાગ્યે એકતા નગરમાં રૂ. 1,140 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ 16 નવા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તેમાં એકતા દ્વારથી નર્મદા માતાની પ્રતિમા સુધીનો વોકવે, સ્માર્ટ બસ સ્ટોપ, વેર ડેમ પાસે પ્રોટોકોલ વોલ, સતપુરા પ્રોટેક્શન વોલ, બોંસાઈ ગાર્ડન, ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન, નર્મદા ઘાટ પાર્કિંગ, નવી રહેણાંક ઈમારત, મોખાડી નજીક એપ્રોચ રોડ, લીમડી ટેન્ટ સિટી રોડ અને ડેમ રેપ્લિકાનો સમાવેશ થાય છે.
આ સાથે જ તેઓ રૂ. 681.55 કરોડના ખર્ચે નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં રૂ 9 કરોડના ખર્ચે “વીર બાલ ઉદ્યાન”નું નિર્માણ પણ થશે. જે માર્ચ 2026 સુધી પૂર્ણ થવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઉદ્યાનમાં દેશના બાળ નાયકોની વાર્તાઓ અને શૌર્યગાથાઓ રજૂ કરવામાં આવશે.
31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
પ્રધાનમંત્રી તા. 31 ઓક્ટોબરે સવારે 8 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય પરેડનું નિરીક્ષણ કરશે.
આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF અને SSB સહિત કુલ 16 ટુકડીઓ ભાગ લેશે. ઓપરેશન સિંદૂરના 16 BSF મેડલ વિજેતાઓ અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતાઓ પણ હાજર રહેશે. પરેડમાં નવ બેન્ડ ટુકડીઓ, ચાર સ્કૂલ બેન્ડ અને 10 રાજ્યોના ટેબ્લો (જેમ કે જમ્મુ-કાશ્મીર, મણિપુર, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે) રજૂ થશે.
ભારતીય વાયુસેનાનો ફ્લાય પાસ્ટ, NSGની હેલ માર્ચ, CRPF અને ગુજરાત પોલીસની મહિલા ટુકડીઓનો રાઇફલ ડ્રિલ, BSFનો ડોગ શો અને આસામ પોલીસનો મોટરસાઇકલ શો ખાસ આકર્ષણ રહેશે.
રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની ઉજવણી માટે આશરે 9,000 મહેમાનો ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મહેમાનોની સુવિધા માટે 11 હાઈ-ટેક ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં 7 મહેમાનો માટે, 2 પોલીસ કર્મચારીઓ માટે અને 2 ડાઇનિંગ સુવિધા માટે છે.