Vadodara

​વડોદરા રાજવી પરિવાર સહિત, પોલીસ, સેના અને અન્ય એકમો આવતીકાલે શસ્ત્ર પૂજન કરશે

​અધર્મ પર ધર્મના વિજયનું પર્વ અને શસ્ત્રપૂજનની સનાતન પરંપરા

​વડોદરા સહિત આખાય દેશ માં દર વર્ષે વિજયાદશમી પર શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે તો સાથોસાથ મા દુર્ગા અને પ્રભુ શ્રીરામની પણ આરાધના કરવામાં આવે છે. દેશમાં અનેક જગ્યાઓએ પોલીસ મથકો અને સેનાનાં મુખ્ય મથકો ખાતે પણ શસ્ત્રપૂજન સમારોહનું આયોજન થાય છે.

વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં દશેરા પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે વડોદરાના રાજા એટલે કે રાજવી પરિવાર પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ શસ્ત્ર પૂજન કરશે શહેરના પોલીસ મથકો અને અન્ય સુરક્ષા એકમો ખાતે પણ પરંપરાગત રીતે શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાશે, જ્યાં પોલીસ અધિકારીઓ અને જવાનો તેમનાં શસ્ત્રોની પૂજા કરી ધર્મ અને સત્યની રક્ષા કરવાનો સંકલ્પ લેશે. આ ઉપરાંત, શહેરમાં વિવિધ રામ મંદિરો અને અન્ય સ્થળોએ ભગવાન રામ અને મા દુર્ગાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. વિજયાદશમીનો આ પાવન દિવસ સમસ્ત હિંદુ સમાજ માટે શક્તિ, સન્માન અને વિજયના ઉત્સવ તરીકે ઉજવાશે.

વિજયાદશમી એ અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે, જે હિંદુ કેલેન્ડરમાં સૌથી પવિત્ર દિવસો પૈકીનો એક ગણાય છે. સતત નવ દિવસ સુધી યુદ્ધ ચાલ્યા બાદ આ જ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. આ ઉપરાંત, આ જ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો અંત કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. વિશ્વભરના હિંદુઓ આ દિવસને વિજયના ઉત્સવ તરીકે ઉજવે છે અને માતાજી તેમજ ભગવાનની આરાધના કરે છે. આ પવિત્ર દિવસે શસ્ત્રપૂજન કરવાની પણ એક અનોખી અને સનાતન પરંપરા છે.
​વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ છે, જે અનાદિ કાળથી ચાલ્યું આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મહિષાસુર પર વિજય પ્રાપ્ત કર્યા બાદ દેવતાઓએ તેમનાં શસ્ત્રોની પૂજા કરી હતી. ત્યારથી આ પરંપરા શરૂ થઈ, જેને મહાભારત અને રામાયણ કાળમાં પણ અનુસરવામાં આવી હતી. મહાભારતના યુદ્ધ પહેલાં પાંડવોએ વિજયની કામના સાથે શસ્ત્રોની પૂજા કરી હતી અને લંકામાં યુદ્ધ કરવા પહેલાં ભગવાન રામે પણ શસ્ત્રપૂજન કર્યું હતું.
​પ્રાચીન કાળમાં ક્ષત્રિય રાજાઓ કોઈ પણ યુદ્ધ શરૂ કરવા પહેલાં દશેરાની રાહ જોતા હતા, કારણ કે હિંદુ માન્યતા અનુસાર આ દિવસે જે કોઈ પણ કાર્ય કે યુદ્ધ શરૂ કરવામાં આવે તેમાં અચૂક સફળતા મળે છે. યુદ્ધે ચડવા પહેલાં શસ્ત્રોની પૂજા કરવામાં આવતી હતી. આ પરંપરા આજના યુગમાં પણ રાજવી પરિવારો, પોલીસ અને સેના દ્વારા જાળવી રાખવામાં આવી છે.

Most Popular

To Top