રમેશ બહારથી આવ્યો તો તેની નાની આઠ વર્ષની દીકરી સિયા જમીન પર બેસીને પોતાની માટીની ગુલ્લક તોડીને તેમાંથી નીકળેલા સિક્કા અને નોટ ભેગા કરી રહી હતી. રમેશે પૂછ્યું, ‘સિયા આ શું કરે છે?’ સિયાએ કહ્યું, ‘બાજુના ઘરમાં રહેતા નાના કાકી બહુ બીમાર છે અને કાકા બહારગામ ગયા છે. મમ્મી બહાર ગઈ છે અને તમે પણ ન હતા એટલે હું આ ગુલ્લક તોડીને પૈસા લઈને ડૉક્ટરને બોલાવવા જતી હતી જેથી કાકીનો ઈલાજ થઇ શકે.’ આ સાંભળી રમેશે કહ્યું, ‘પણ બેટા તારી મમ્મી અને તારી કાકી વચ્ચે ઝઘડો છે અને તેઓ બોલતા નથી તને ખબર છે ને?’ હજુ સિયા કઈ બોલે તે પહેલા, બરાબર તે જ સમયે બહાર ગયેલી મમ્મી આવી અને બોલી, ‘તને ખબર છે હું તેની સાથે બોલતી નથી પછી તારે શું કામ ડૉક્ટરને બોલાવવાની જરૂર છે?
આપણે કશું કરવાની જરૂર નથી!’ નાનકડી સિયા બોલી, ‘મમ્મી તું કાકી સાથે નથી બોલતી પણ મારે તેમની સાથે કિટ્ટા નથી. તે મારા કાકી છે, બહુ બીમાર છે તો મારી ફરજ કે હું ડૉક્ટરને બોલવું. તમે ભલે વાત ન કરતા હો તો પણ’ નાનકડી સિયાના આ શબ્દો સાંભળીને રમેશ અને તેની પત્ની બંને એક મિનીટ માટે ચોંકી ઉઠ્યા. રમેશ વિચારવા લાગ્યો મારી નાની બાળકીમાં આટલી મોટી સમજ અને હું દેરાણી – જેઠાણીના અબોલાને કારણે નાનાભાઈના કુટુંબ પ્રત્યેની મારી ફરજ ભૂલી ગયો. રમેશની પત્નીને ગુસ્સો આવ્યો પણ સાથે સાથે સમજ પણ આવી કે અમે મોટા ઝઘડો અને અબોલા યાદ રાખી, ખરી ફરજ ભૂલી ગયા છીએ પણ મારી નાની દીકરીમાં સાચી સમજ છે.
રમેશે તરત ડૉક્ટરને ફોન કર્યો અને તેમને ઘરે આવવા કહ્યું, પછી નાના ભાઈને ફોન કર્યો. નાનાભાઈએ પહેલા ગુસ્સાથી વાત કરી પણ બધી વાત સમજી તે મોટાભાઈની માફી માંગી આભાર માનવા લાગ્યો અને બોલ્યો, ‘હું હમણાં જ નીકળું છું કાલે આવી જઈશ.’ રમેશે કહ્યું, ‘તું ચિંતા ન કર અમે સંભાળી લઈશું.’ રમેશની પત્ની દોડીને બાજુના ઘરમાં ગઈ, દેરાનીનું શરીર તાવમાં તપતું હતું તે પાણીના પોતા મુકવા લાગી. ડૉક્ટર આવ્યા અને દવા આપી કહ્યું, ‘આજની રાત ધ્યાન રાખજો થોડા સમયમાં તાવ ઉતરી જશે.’
દેરાણીની આંખોમાં આંસુ હતા તે જેઠાણીની મૂક માફી માંગતા તેમને ભેટી પડી અને બોલી, ‘ભાભી તમે આપણો ઝઘડો ભૂલીને મદદે આવ્યા?’ રમેશે કહ્યું, ‘આ આપણી નાનકડી દીકરી સિયા પોતાની ગુલ્લક તોડીને પૈસા લઈને ડૉક્ટર બોલવવા જતી હતી તેણે અમને બંનેને સાચી સમજ આપી કે સ્વજનોને જરૂર હોય ત્યારે બધા મતભેદ અને મનભેદ ભૂલીને મદદ કરવી જોઈએ અને ફરજ સામે ઝઘડાને ભુલાવી દેવો જોઈએ.’ કાકી સિયાને ભેટી પડી. સિયાએ ડૉક્ટર અંકલને પોતાની ગુલ્લ્કના પૈસામાંથી જ ફી આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.