SURAT

ઈચ્છાપોરમાં મોડી રાત્રે અકસ્માત, રોંગ સાઈડ દોડતા ટ્રેક્ટરની ટક્કરથી કારનો કચ્ચરઘાણ, મહિલાનું મોત

સુરતઃ ગણેશ વિસર્જનની આગલી રાતે ઈચ્છાપોરમાં ભયંકર અકસ્માત થયો હતો. અહીં રોંગ સાઈડ પર દોડતા ટ્રેક્ટરે કારને ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે કારમાં બેઠેલી મહિલાનું મોત નિપજ્યું હતું. કાર ડ્રાઈવ કરતા ચાલકને પણ ઈજા પહોંચી છે. અકસ્માત બાદ ઘટના સ્થળે ટોળું ભેગું થઈ ગયું હતું. ટ્રેક્ટર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ટ્રેક્ટર ચાલકની અટકાયત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત તા. 5ઓગસ્ટને શુક્રવારની મોડી રાત્રે ઈચ્છાપોર વિસ્તારમાં થયો હતો. ટ્રેક્ટરનો ડ્રાઈવર બેકાબૂ થઈને રોંગ સાઈડમાં ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. ટ્રેક્ટર ચાલકે સામેથી આવતી એક કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ અકસ્માતમાં કારમાં સવાર મહિલા ઉર્મિલાબેનને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. કારના ડ્રાઈવરને પણ ભારે ઈજાઓ થઈ છે અને તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતની જાણ થતા ટોળું ભેગું થઈ ગયું હતું. વાતાવરણ તંગ બની ગયું હતું. માહિતી મળતા જ ઈચ્છાપોર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે અકસ્માત માટે જવાબદાર ટ્રેક્ટરના ડ્રાઈવરની અટકાયત કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગ અને બેદરકારીના ગંભીર પરિણામો સામે લાવ્યા છે.

Most Popular

To Top