ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અંગત કારણોસર ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં નહીં રમે. બુમરાહે ચોથી ટેસ્ટમાંથી પોતાને રિલીઝ કરવાની વિનંતી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને કરી હતી, જેને બોર્ડે સ્વીકારી લઇને તેને ટીમમાંથી રિલીઝ કર્યો છે. બીસીસીઆઇ દ્વારા તેની અવેજીમાં કોઇ ખેલાડીને ટીમમાં સામેલ નહીં કરે.
બીસીસીઆઇ દ્વારા શનિવારે જારી કરાયેલા નિવેદન અનુસાર વ્યક્તિગત કારણોસર બુમરાહ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં નહીં રમે. ભારતીય ટીમ મેનેજમેન્ટ તેના વિકલ્પ તરીકે કોઇ ખેલાડીને સામેલ કરવા માગતું નથી. અહીં રમાયેલી ડે એન્ડ નાઇટ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં બુમરાહ હતો પણ પહેલા દિવસથી જ સ્પિનને મદદરૂપ વિકેટ પર પહેલા દાવમાં તેણે માત્ર છ ઓવર બોલિંગ કરી હતી. બીજા દાવમાં બોલિંગ કરવાનો વારો જ આવ્યો નહોતો.
બુમરાહે ઇંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ રમી છે જેમાં તેણે માત્ર 48 ઓવર બોલિંગ કરીને 4 વિકેટ ઉપાડી છે. બીજી ટેસ્ટમાં પણ તેને આરામ અપાયો હતો. 4 માર્ચથી શરૂ થનારી ચોથી ટેસ્ટ માટેની અંતિમ ઇલેવનમાં હવે બુમરાહના સ્થાને ઉમેશ યાદવ અથવા તો મહંમદ સિરાજમાંથી એકનો નંબર લાગી શકે છે. ત્રીજી ટેસ્ટ રમનારી ભારતીય ટીમમાં આ એકમાત્ર ફેરફાર થશે. જ્યારે વોશિંગ્ટન સુંદરને તેની બેટિંગ કાબેલિયતને કારણે ટીમમાં જાળવી રખાશે.