Comments

જળને વેડફવું એટલે જીવનને વેડફવું

કશું નવું નથી. ઉનાળો આવે એટલે ચોફેર પાણીની તંગીની બૂમો. જરા અમથો વરસાદ પડે કે ઠેરઠેર પાણી ભરાઈ જવું અને એના નિકાલની સમસ્યા. જળાશયોમાં વરસાદી પાણીની આવક થઈ હોય, પણ મહોરમ કે ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન કરાતું જળપ્રદૂષણ. ફરી પાછા ઉનાળે પાણીની તંગીની બૂમાબૂમ. આ ચક્ર સતત ચાલતું રહે છે. સરકારની આમાં જવાબદારી બનતી હોય તો પણ કેવળ એટલું પૂરતું નથી. કેમ કે, આમાં દોષ સરકારને દઈ શકાય, પણ એનાં છેવટનાં પરિણામનો ભોગ બનવાનું આપણા એટલે કે નાગરિકોના ભાગે આવે છે. જો કે, સરકાર જેવી સરકાર પોતાની જવાબદારીનો ઉલાળિયો કરી દેતી હોય અને નાગરિકોને એમાં કશું અજુગતું ન લાગતું હોય ત્યાં નાગરિકો પોતાની જવાબદારી સમજે અને એ મુજબ વર્તે એ અપેક્ષા વધુ પડતી લાગે છે.

એ હકીકત સૌ જાણે છે કે આપણી પૃથ્વી પર ત્રણ ભાગ પાણી અને એક ભાગ જમીન છે. સાથોસાથ એ પણ સૌ જાણે છે કે આ ત્રણ ભાગ પાણી પૈકીનું 96 ટકા પાણી સાગરમાં છે. એટલે કે તે પીવાલાયક નથી. સમગ્ર પૃથ્વી પર પીવાલાયક પાણી માંડ ત્રણેક ટકા છે, જેમાંનું મોટા ભાગનું ગ્લેશિયર કે હિમાચ્છાદિત પ્રદેશોમાં તેમજ ભૂગર્ભમાં છે. આમ, એક ટકાથી પણ ઓછું પાણી સીધેસીધું ઉપયોગમાં લઈ શકાય એ માટે બચે છે.

એટલે ખરું જોતાં, સમગ્ર પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ સરખામણીએ ઓછું છે, એમાંય ભારત જેવા દેશમાં પાણી બહુ અગત્યનું અને અનિવાર્ય પરિબળ છે. આને હજી ટકાવારીની રીતે જોઈએ તો ભારતમાં વિશ્વની કુલ વસતિના 18 ટકા લોકો વસે છે અને વિશ્વભરનાં પીવાલાયક પાણીના કુલ જથ્થા પૈકીનો ચાર ટકા જથ્થો તે ધરાવે છે. આને કારણે જળની અસમાન વહેંચણી થાય એ સ્વાભાવિક છે. એક તરફ શહેરો વધુ ને વધુ ગીચ બની રહ્યાં છે અને ત્યાં પીવાનાં પાણીની સમસ્યા સૌથી મોટી છે.

Earth.org નામની વેબસાઈટ પર્યાવરણને લગતી વિવિધ બાબતો, સમસ્યાઓ અને તેના ઉકેલની ચર્ચા કરતું એક વૈશ્વિક પ્લેટફોર્મ છે. જળજાળવણી નિષ્ણાત અને અર્બન પ્લાનર એવા વિશ્વનાથ શ્રીકાન્તૈએયા સાથે બેંગ્લોર શહેરના જળ આયોજન વિશે અર્થપૂર્ણ વાર્તાલાપ અહીં કરાયો છે, જે અનેક રીતે આંખ ઉઘાડનાર બની રહે છે. સૌ પ્રથમ તો આ ચર્ચા બેંગ્લોરકેન્દ્રી શા માટે એ સમજવું જરૂરી છે. બેંગ્લોર આપણા દેશનું ત્રીજા નંબરનું સૌથી ગીચ શહેર છે, જેની વસતિ ચૌદ કરોડથી વધુ છે. તીવ્ર જળસંકટની અહીં નવાઈ નથી. જળસમસ્યા પર કામ કરવા માટે આનાથી વધુ લાયક સ્થળ કયું હોઈ શકે!

વિશ્વનાથ દ્વારા કેટલીક મૂળભૂત બાબતોની સ્પષ્ટતા કરવામાં આવી છે, જે સમજણને બરાબર ઉઘાડી આપે એવી છે. તેમણે બે પ્રકારની અર્થવ્યવસ્થાની વાત કરી છે: રેખીય (લીનીઅર) અને વર્તુળાકાર (સર્ક્યુલર). રેખીય અર્થવ્યવસ્થા રેખાની જેમ સીધી લીટીમાં હોય છે, જેમાં ‘બનાવો, ઉપયોગ કરો અને નિકાલ કરો’નો અભિગમ હોય છે. એટલે કે આમાં સંસાધનોના ઉપયોગથી ઉત્પાદન મેળવવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે અને છેલ્લે તેનો કચરા તરીકે નિકાલ કરવામાં આવે છે. આનો અર્થ એ કે આ વ્યવસ્થામાં પાછા ફરવાપણું હોતું નથી. સંસાધન ખર્ચાઈ જાય છે અને છેલ્લે એ કચરા તરીકે ફેંકાઈ જાય છે. આ બન્ને તબક્કા વચ્ચે આવતો ઉપયોગનો તબક્કો ઘણી વાર સાવ ઓછો હોઈ શકે એમ બને. આનો અંત એક યા બીજા પ્રકારના પ્રદૂષણમાં પરિણમે છે. વર્તુળાકાર વ્યવસ્થામાં આનાથી વિરુદ્ધ બાબત હોય છે. તેમાં કોઈ પણ વસ્તુનો ઉપયોગ શક્ય એટલા વધુ સમય સુધી કરાતો રહે છે. ઉપયોગ, મરમ્મત, પુનરુપયોગ તેનાં મુખ્ય પાસાં છે. એ રીતે આ આખી પ્રણાલી વર્તુળાકાર બની રહે છે.

રસપ્રદ બાબત એ છે કે પાણી આવી વર્તુળાકાર પ્રક્રિયા થકી વહે છે, જેને હાઈડ્રોલોજિકલ સાયકલ અથવા તો જળચક્ર કહે છે. પહેલાં એને સાદી પરિભાષામાં સમજીએ. આપણે સૌ જાણીએ છીએ કે તાપમાન વધે એમ જળાશયમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે. એ જ રીતે વૃક્ષો અને વનસ્પતિનાં પાંદડાંમાંથી પણ બાષ્પોત્સર્જન થાય છે. તાપમાન ઘટતાં આ બાષ્પનું ઘનીભવન થાય છે, તેનું કદ વધે છે અને વાદળાં બંધાય છે, જે છેવટે વરસાદ, હિમવર્ષા કે કરાવૃષ્ટિ થકી પાછું પૃથ્વી પર વરસે છે. આ રીતે વરસેલાં પાણીથી જળાશયોમાં તેમજ ભૂગર્ભમાં જળસ્તર વધે છે.

આ વરસેલાં પાણીને બે શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યું છે. ભૂગર્ભ જળ ‘રિચાર્જ’થઈ શકે એટલે ઊંડે ન ઊતરતું, જમીનમાં સંઘરાયેલું પાણી ‘ગ્રીન વોટર’કહેવાય છે, જે ઉપયોગમાં લઈ શકાતું નથી. પૃથ્વીની સપાટી પર વિવિધ જળાશયોમાં સંઘરાયેલું પાણી ‘બ્લુ વોટર’તરીકે ઓળખાય છે, જેમાં નદીઓ, તળાવ-સરોવરો, બંધનાં જળાશયો, ખડકોમાં સંઘરાયેલાં પાણી વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં કહીએ તો આ પાણીને માનવ ઉપયોગમાં લઈ શકે છે.

આ જળચક્રમાં વનસ્પતિનું પ્રદાન ઘણું હોય છે. તેઓ પોતાનાં મૂળિયાં દ્વારા જમીનનો ભેજ શોષે છે અને પાંદડા દ્વારા બાષ્પનું ઉત્સર્જન કરે છે. એટલે કે જળચક્રમાં ભેજ જાળવવાના અને વરસાદી પાણીના વહી જવાના દરને તે નિયંત્રિત કરે છે. આ આખું ચક્ર હવે ખોરવાઈ ગયું છે. માનવીય ગતિવિધિ અને હવામાન પરિવર્તનને કારણે તેની પર ગંભીર અસર થઈ છે અને સરવાળે એનાથી માનવજીવન અસરગ્રસ્ત થઈ રહ્યું છે. સતત વધતા જતા શહેરીકરણની વિપરીત અસર આની પર થતી રહી છે અને થતી રહેવાની. આનો કોઈ ઉકેલ ખરો? એ વિશેની વાત આગામી સપ્તાહે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top