વ્યારા : હાલમાં જ જર્મનીના રહાઈન રૂહર ખાતે ૧૬ જુલાઈથી ૨૭ જુલાઈ સુધી FISU WORLD UNIVERSITY GAMES નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશની વોલીબોલ ટીમમાં ગુજરાતમાંથી એકમાત્ર તાપી જિલ્લાની મીનલબેન સોહાનભાઈ ગામીતની અપોઝિટ હિટર તરીકે પસંદગી થતા આદિવાસી સમાજ અને તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌરવની લાગણી અનુભવાઈ છે. મીનલ ગામીતે જણાવ્યું હતું કે હાલમાં તેઓ બ્રાઝિલ, સ્પેન, મોંગોલીયા, ચીલી અને છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જેમાં પાંચ સેટ સુધી જોરદાર ટક્કર આપી અંતે તેઓની ટીમ બહાર થઈ ગઈ હતી. પરંતુ હારમાંથી પણ ઘણું બધુ શીખ્યા છે. ફરી બુલંદ જુસ્સા સાથે મેદાનમાં ઉતરીશું અને ભારત દેશને ગૌરવ અપાવીશું.મીનલે ધમોડી અને હનુંમતિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. માધ્યમિક શિક્ષણ ઘાટાની હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. શિક્ષણની સાથે સાથે રમતમાં પણ આગળ વધતી મીનલે નડિયાદ ખાતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધું હતુ. ત્યારબાદ મરીદાભાગોળ નડિયાદ એકેડમીમાં પ્રવેશ મેળવી વોલીબોલની તાલીમ લેવાનું શરૂ કર્યું. હાલમાં મીનલ ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલી કલીંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT deemed to be University)માં સ્નાતક (સોશિયોલોજી)ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેના પિતા હયાત નથી અને માતા વ્યારાના ઈન્દુ ખાતે આવેલી નર્સિંગ છાત્રાલયમાં રસોઈયા તરીકે ફરજ બજાવે છે. મીનલની બે બહેનો સોનલ (એમ.કોમ.) અને પાયલ(૧૨ સાયન્સ) અભ્યાસમાં અભ્યાસ કર્યો છે.