Charchapatra

સરકારો, સમાજવાદી ઢબે ચાલવી જોઇએ અને સૌને નોકરીઓ મળવી જોઈએ

આપણા દેશમાં સૌથી મોટો એમ્પલોયર અર્થાત નોકરી આપનાર જે કોઈ હોય તો તે સરકારો છે. સરકારોનાં કોઈ પણ ખાતામાં, વર્તમાને જોવા જઈએ તો અનેક જગ્યાઓ ખાલી પડેલી હોય છે. સરકારનાં તમામ ખાતામાં અત્યારે કરકસરના નામે નોકરીઓનો વગર કામો ઘસેડવામાં આવી રહ્યાં છે. લાખો જગ્યાઓ ઉપર સરકારો નવા લોકોને નોકરી આપવાના જગ્યાએ, ખાનગી કોન્ટ્રેક્ટરોને કામો સોપવામાં આવી રહ્યાં છે. જેઓ, નોકરીયાતોનું ભયંકર શોષણ કરે છે, એ વાત સૌને વિદ્દિત જ છે. આજે શિક્ષણ ખાતાની વાત કરીએ તો, દેશની હજારો શાળાઓમાં જરૂરી શિક્ષકો છે જ નહિં. તો પછી ‘‘ભારત ભણશે’’કઈ રીતે?!! આજે લાખોની સંખ્યામાં ભણેલા યુવાન-યુવતિઓ, નોકરીઓ વગર રઝળતા હોય છે. એમને ધંધે લગાડવાનું કામ સરકારોનું જ છે.

સરકારો કાંઈ ફેક્ટરીઓ કે ગૃહઉદ્યોગો નથી. એટલે ત્યાં નફા-તોટાની વાત આવે જ નહિ. આજે લોકોને, સરકારી ખાતાંઓ એટલે કે રેલવે, પોસ્ટ, વીજ કંપનીઓ તથા સરકારી બેંકો ઉપર ખૂબ વિશ્વાસ છે. સરકારી ખાતાંઓ સહિત આવી જાહેર સેવાની સંસ્થાઓમાં પૂરતા કામદારોને નોકરીઓ આપીને સરકારી કામકાજોમાં વેગ આપવાની જરૂર દેખાઈ રહી છે. સરકારો આપણી છે. પૈસા પણ ટેક્ષરૂપે સરકારને આપીએ છીએ, એ આપણા છે. આ પૈસા આપણા લોકો માટે વાપરવામાં આવવા જોઈએ. સરકારો, ખાલી જગ્યાઓ ભરે. નોકરીઆતોને પગાર ચૂકવે, વધુને વધુ લોકોને સરકારી નોકરીઓમાં રાખીને એમને પગભર કરે.સરકાર અને કામદાર વચ્ચે ત્રીજી ત્રાહિત વ્યક્તિ (કોન્ટ્રેક્ટર) આવવી જોઈએ નહિ. સમજવાદી ઢબથી સરકારો ચાલવી જોઈએ. દરેકને યોગ્ય કામ મળવું જ જોઈએ.
અમરોલી.          – બાબુભાઈ નાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top