Columns

ખુમારી આપણા સૈનિકોની

આપણી સેના અને તેનાં સૈનિકો માટે કાર્યરત એક એન.જી.ઓ.માંથી સેવાભાવી સેવકો મીલીટરી હોસ્પીટલમાં સેવા કરવા માટે જતાં. ઘાયલ સૈનિકોની સારવાર કરતાં. તેમની સાથે વાતો કરતાં. તેમને પોતાના હાથે જમાડતાં. સૈનિકોને પણ સારું લાગતું. એક દિવસ આતંકવાદીઓની સાથેની મુઠભેડમાં આપણા સૈનિકો ઘાયલ થયા છે. સેવાભાવી માસી ત્યાં પહોંચી ગયાં.ત્રણ સૈનિકો ખૂબ જ ઘાયલ હતાં.ઉંમર હતી માત્ર ૨૦ થી ૨૨ વર્ષ.એક યુવાન સૈનિક  પાસે માસી ગયાં અને માથે હાથ ફેરવી ખબર પૂછ્યા, “કેપ્ટન શૌર્ય કેમ છે?” કેપ્ટન શૌર્યની ખોપરી ફાટી ગઈ હતી. માથામાં ૨૫ ટાંકા આવ્યા હતા. પેટમાં છરા ઘૂસી જવાને કારણે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડાબા હાથમાં પ્લાસ્ટર હતું  અને કેપ્ટન શૌર્યનો જમણો  પગ આતંકવાદીઓએ બિછાવેલી માઈન્સ પર પડ્યો હતો તેથી ત્યાં ઘટના સ્થળે જ શરીરથી છૂટો પડી હવામાં ઊડી ગયો હતો.આટલા ગંભીર રીતે ઘાયલ ૨૧ વર્ષના યુવાન કેપ્ટન શૌર્યે ખુમારીથી જવાબ આપ્યો,”હું ઠીક છું.

આઈ એમ ઓલરાઈટ. બસ આ ઘા તાજા છે એટલે થોડું દુખે છે.થોડા વખતમાં હું ફરી ઊભો થઇ મારા દેશની સેવા કરીશ.” યુવાન સૈનિકની ખુમારી અને હિંમત જોઈ માસીની આંખો ઉભરાઈ ગઈ અને પોતાના દેશના સૈનિક પર ગર્વ થયો. તેમણે કહ્યું, “કેપ્ટન, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે જલ્દી સાજા થઇ જાવ.”કેપ્ટન શૌર્યે  જવાબમાં કહ્યું, “મારા એક સાથીએ તેની બંને આંખો ગુમાવી છે. આપણે બધા તેના માટે પ્રાર્થના કરીએ અને મારા કરતાં વધારે એને તમારી મદદની જરૂર છે.તમે તેની દેખરેખ કરજો.”

સૈનિકોની સેવા માટે સાથે આવેલા એક સજ્જને કહ્યું, “અમે તમારા જેવા ઘાયલ અને શહીદ સૈનિકોના પરિવાર માટે જરૂર કંઇક કરીશું.”કેપ્ટન શૌર્યે જવાબ આપ્યો, “અમે અમારી મરજીથી આપણા દેશની રક્ષા માટે આગળ આવીએ છીએ.લડીએ છીએ. પોતાના માટે નહિ બધા દેશવાસીઓ વતી લડીએ છીએ …અમારી પર દયા ખાવાની જરૂર નથી. અમારા ત્યાગને અને દેશપ્રેમને સમજવાની જરૂર છે અને સમાજની વિચારસરણી બદલવાની જરૂર છે. માત્ર મીલીટરી ફોર્સ ….અન્ય પેરામીલીટરી ફોર્સ …પોલીસ … દેશ માટે લડે અને કામ કરે….દરેક નાગરિક જે દેશમાં રહે છે …દેશને પ્રેમ કરે છે તેણે જાગૃત થઇ દેશ માટે લડવા હંમેશા તૈયાર રહેવું જોઈએ.”
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top